નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદી વિઘ્ન છતાં લોકોની ભક્તિ યથાવત; રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન નિહાળવા જનમેદની ઉમટી
ખાસ-ખબર ન્યૂઝ મીઠાપુર
દ્વારકા નજીક મીઠાપુર ખાતે દશેરા નિમિત્તે યોજવામાં આવતા ભવ્ય રાવણ દહન કાર્યક્રમમાં આ વર્ષે વરસાદનું વિઘ્ન હોવા છતાં લોકોએ ભારે ઉત્સાહ સાથે આ કાર્યક્રમને માણ્યો હતો. નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદ પડ્યો હોવા છતાં ભક્તોએ ગરબા-દાંડિયા રમીને માતાજીની આરાધના ચાલુ રાખી હતી.
મીઠાપુર ખાતે વર્ષોથી તાતા કેમિકલ્સ દ્વારા દશેરા નિમિત્તે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન અને આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ વરસાદને કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવા છતાં, આયોજકોએ પરંપરા જાળવી રાખવા માટે કાર્યક્રમ યથાવત રાખ્યો હતો.ચાલુ વરસાદમાં જ ત્રણેય રાક્ષસોના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેની સાથે ભવ્ય ફટાકડાની આતશબાજી પણ યોજાઈ હતી. આ અદ્ભુત કાર્યક્રમને નિહાળવા માટે મીઠાપુર અને આસપાસના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક રાવણ દહનનો વિજય પર્વ માણ્યો હતો.