દિલ્હીમાં કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરી અપાવાના બહાને લાખોની છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢના જોષીપરામાં રહેતા એક તબીબ પતિ અને પત્નીને દિલ્હીના હાઈવેના કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરી અપાવવાના બહાને રૂપિયા 49.34 લાખથી વધુની છેતરપિંડી આચરનાર એક ઠગ દંપતીને બી ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યું છે.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢના ગોપાલ નગરમાં રહેતા શિલ્પાબેન રાજેશભાઈ ભાખરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેમના પતિ ડો. રાજેશભાઈ ભાખર છેલ્લા 25 વર્ષથી જોષીપરામાં મેડિકલ ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરે છે. મે 2023માં ધોરાજીના સુરેશભાઈ સાથે મૂળ આકોલવાડીના અમદાવાદના નિકોલમાં રહેતા રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોવટીયા અને તેની પત્ની પ્રજ્ઞા ડો. રાજેશભાઈની હોસ્પિટલે આવ્યા હતા.
રવિ ઉર્ફે રોહિતે પોતાને ગાંધીનગરમાં ધારાસભ્યના પીએ તરીકે ઓળખાવી અને વગદાર લોકો સાથે ઓળખાણ હોવાનું જણાવી તબીબ દંપતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેણે દિલ્હી હાઈવે કોરિડોરના ડિવાઈડરમાં ઝાડ ઉછેરવાનો પેટા કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. આ ઉપરાંત, તેણે સચિવાલયમાં સેટિંગથી ક્લાર્કની નોકરી અપાવી દેવાની પણ ખાતરી આપી હતી, જેના માટે 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. રવિ અને તેની પત્ની પ્રજ્ઞાએ મોટી મોટી વાતો કરી વિશ્વાસમાં લઈ લેતા, ભાખર દંપતીએ કુલ 49,34,500 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, થોડા સમય પછી રવિ ઉર્ફે રોહિતે ક્લાર્ક તરીકેના પગાર પેટે 73,500 રૂપિયા આપ્યા હતા. પરંતુ, ન તો દિલ્હીનો કોન્ટ્રાક્ટ અપાવ્યો કે ન તો સરકારી નોકરીનો ઓર્ડર આપ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં, રવિ અને પ્રજ્ઞાએ બાકીના રૂપિયા 49,34,500 પરત આપ્યા નહોતા. આખરે, શિલ્પાબેને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અમદાવાદ ખાતેથી બંટી-બબલીની આ જોડીને ઝડપી પાડી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહીહાથધરીછે.