‘જંત્રી ન ઘટી તો દસ્તાવેજો નહીં બને’
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં જંત્રીની જફાથી બિલ્ડરો ખફા થઈ ગયા છે. જેને પગલે આજે રાજકોટમાં ક્રેડાઈ અને રેવન્યુ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં એવી જણાવામાં આવ્યું હતું કે, જંત્રી ઘટશે નહીં તો દસ્તાવેજો નહીં બને.
- Advertisement -
આ અંગે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ મીડિયાને જણાવ્યું હતું કે, જંત્રીમાં કરેલ ધરખમ વધારાનો જે કઠોર નિર્ણયો લેવામાં આવેલ છે. તેના પરિણામે મોટા શહેરો સિવાય તમામ નાના શહેરો, તાલુકાઓ ગામડાઓને ઘણી જ અસર થશે, જેનાથી સામાન્ય નાગરિકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમજ ખેડૂતો પણ પાયમાલ થઇ જશે. જેથી વિશાળ હિતમાં વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવીને જંત્રીના દરને તર્કસંગત બનાવવા વાસ્તવિક પરીસ્થિતિને અવલોકન લઈને સાયન્ટીફીક રીતે જંત્રી તૈયાર કરવી જોઈએ. અમારી એક જ માંગ છે કે આ વધારાને પ્રથમ તો રદ કરો અને રિસર્ચ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવે. હાલ રાજકોટના વેપારી સંગઠનો પણ બિલ્ડર એસોસિએશનને સમર્થન જાહેર કર્યું છે.
5 હજારથી વધુ દસ્તાવેજો અટક્યા
નોંધનીય છે કે ગુજરાતમાં તાત્કાલિક અસરથી અમલમાં મુકાયેલ ડબલ જંત્રીથી રીયલ એસ્ટેટગ્રુપ અને બિલ્ડર ગ્રુપ નારાજ થયું છે. જે સંદર્ભે નેશનલ રીયલ એસ્ટેટ ડેવલમેન્ટ કાઉન્સિલે તાત્કાલિક એક મિટિંગ બોલાવીને મોટો નિર્ણય કર્યો અને આજે એટલે કે શુક્રવારે દસ્તાવેજ કરવા સામે બિલ્ડર્સ ગ્રુપે પ્રતીક હડતાળ જાહેર કરી છે. જેને પગલે આજે ગુજરાતના તમામ બિલ્ડરો નવી જંત્રી પ્રમાણેનો એક પણ દસ્તાવેજ નહીં બનાવે. ત્યારે રાજકોટમાં જ રાજકોટ શહેર અને જિલ્લામાં અંદાજીત 5 હજાર કરતા વધુ દસ્તાવેજો અટકી પડ્યા છે. ડબલ જંત્રીને લઈને પ્રજા પર પાડનારા બોજ મુદ્દે સરકાર સામે બિલ્ડરો બાથ ભીડવા તૈયાર હોય એવા મૂડમા દેખાયા હતા.