સિલ્વર વૂડમાં ફ્લેટ ખરીદી લોકો છેતરાયાં: પાર્કિંગ સહિતની સામાન્ય સુવિધાઓનો પણ અભાવ
અડધા કરોડનાં ફ્લેટમાં પણ સુવિધાનાં નામે મીંડુ
- Advertisement -
ફ્લેટધારકોએ દક્ષ એન્ટરપ્રાઈઝનાં ખંધા બિલ્ડરોને અનેક વખત રજૂઆત કરી છતા કોઈ જવાબ આપતા નથી
દક્ષ એન્ટરપ્રાઈઝના બિલ્ડરો સમીર હાંસલિયા, સોનલ હાંસલિયા, તરલ પટેલ અને મગનભાઈ ચોવટીયા માત્ર ઠાલા વચનો આપવામાં જ માહેર છે. મધ્યમવર્ગીય લોકોના જીવનનું એક માત્ર સ્વપ્ન ઘરનું ઘર હોય છે જેના માટે તે હંમેશા પ્રયત્નો કરે છે પરંતુ ઘણા ખંધા બિલ્ડરો એવા છે જે લોકોના ઘરના સ્વપ્નને રોળી રહ્યા છે. મસમોટા વચનો આપી પૂરતી સુવિધા નથી આપતા. સિલ્વર વૂડના ફ્લેટધારકોએ અડધા કરોડમાં ફ્લેટ ખરીદી આ ખંધા બિલ્ડરોને અનેક વખત રજૂઆત કરી છતા કોઈ જવાબ આપતા નથી. ફ્લેટધારકોને ફ્લેટ દીઠ પાર્કિંગની સુવિધા આપવાનો વાયદો કર્યો હતો. જે પૂર્ણ નથી કર્યો.
રાજકોટના વિકસીત એરિયા અંબિકા ટાઉનશીપ પાસે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ જતા મોટા મવાના રેવન્યુ સર્વે નંબર 177માં બનેલા સિલ્વર વૂડ ફ્લેટની જો વાત કરીએ તો બિલ્ડરોએ મસમોટા વચનો આપી ફ્લેટધારકોને છેતર્યા છે. સિલ્વર વૂડ ફ્લેટમાં એ અને બી વિંગ આવેલી છે એ વિંગમાં ટુ બીએચકે અને બીમાં થ્રી બીએચકે ફ્લેટ આવેલા છે. બિલ્ડરોએ રેરાના પ્લાનમાં બતાવ્યા મુજબ લિફ્ટ નથી આપી અને સિક્યોરીટી રૂમ પણ અલગ દિશામાં બનાવાતા અવર જવર માટે સમસ્યા થાય છે.
- Advertisement -
‘ખાસ-ખબર’ની ટીમએ સિલ્વર વૂડ ફ્લેટની મુલાકાત લીધી હતી. સિલ્વર વૂડ ફ્લેટના પ્રમુખ બિપીનભાઈ ભલાણી, ઉપ પ્રમુખ મનસુખભાઈ મારવાણિયા, સેક્રેટરી સંજયભાઈ ગોંઢાએ બિલ્ડરોએ ફ્લેટમાં રાખેલી ખામીઓ વિશે ટીમને અવગત કર્યા હતા. સિલ્વર વૂડની બન્ને વિંગમાં 92 ફ્લેટ આવેલા છે જેમાં કુલ 290 જેટલા લોકો વસવાટ કરે છે. પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત ફ્લેટધારકોએ બિલ્ડર સમીર હાંસલિયા અને જીનલ ખાનપરા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા કે ક્લબ હાઉસ આપ્યું છે પરંતુ તેનું પણ ગેરકાયદે બાંધકામ કર્યું છે. ફાયરની ગાડી બેઝમેન્ટમાંથી પાછી વળી શકે તેમ નથી. કેટલાક ફ્લેટમાંથી પાણી ટપકે છે. હવે આ મામલે સિલ્વર વૂડનાં ફ્લેટધારકો બિલ્ડરો વિરૂદ્ધ રેરામાં ફરિયાદ નોંધાવશે.
ફાયરના બોર આપ્યા નથી: પ્રમુખ બિપીનભાઈ ભલાણી
બિપીનભાઈ ભલાણીએ સિલ્વર વૂડ ફ્લેટમાં બિલ્ડરોએ રાખી દીધેલી ખામી વિશે કહ્યું કે, ફાયર માટેના અલગ ટાંકા હોવા જોઈએ જે નથી આપ્યા. બે વિંગ વચ્ચે 4ની જગ્યાએ બે જ ટાંકા આપ્યા. બિલ્ડરોને રજૂઆત કરી તો કહ્યું કે, તે શક્ય નથી.
બેઝમેન્ટ અને ટેરેસ પર લિફ્ટ નહીં: ઉપ પ્રમુખ મનસુખભાઈ
સિલ્વર વૂડના ઉપ પ્રમુખ મનસુખભાઈએ જણાવ્યું કે, બેઝમેન્ટ અને ટેરેસ પર લિફ્ટની સુવિધા નથી આપી. જ્યારે લિફ્ટ રૂમ પણ ન આપતા લિફ્ટનું સમારકામ પણ થઈ શકતું નથી. અને લિફ્ટ પણ નબળી ગુણવત્તાની ફીટ કરી છે વારંવાર ખોટકાઈ જાય છે.