ગત વર્ષના બજેટ કરતા 2025 – 26માં 546 કરોડનો વધારો
સ્થાયી સમિતિ સુધારા વધારા સાથે આગામી બોર્ડમાં રજુ કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જુનાગઢ મહાનગર પાલિકાનું વર્ષ 2025 -26નું સામાન્ય અંદાજપત્ર કમિશનર ડો. ઓમ પ્રકાશ દ્વારા બજેટ રજુ કરીને સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યું છે. વર્ષ 2025 – 26 દરમિયાન કુલ રૂ.334.18 કરોડ રેવન્યુ આવકની સામે રૂ.1145.56 કરોડ કેપિટલ ખર્ચ મળીને કુલ રૂ.1482.17 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 20%ના વેરા વધારા સાથે અંદાજપત્ર રજુ કર્યું હતું અને શહેરના વિવિધ વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ અંદાજપત્રમાં જુનાગઢ મનપામાં નવી ભરતીથી લઈને કર્મચારીઓને પ્રોત્સાહક યોજના સામેલ કરવી ગ્રીન જુનાગઢ અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવું. પ્રત્યેક કોર્પોરેટરને વિકાસ માટે 80,000ની ગ્રાન્ટ આપવી આ સિવાય શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે 50 ઇલેક્ટ્રીક બસ ભવનાથમાં સનાતન પથની સાથે દિવાન ચોક થી સર્કલ ચોકને હેરિટેજ સ્ટ્રીટ તેમજ જૂનાગઢ શહેરમાં સ્માર્ટ જાહેર શૌચાલય બનાવવાની સાથે મોતીબાગ વિસ્તારમાં કોર્પોરેશન આધુનિક લાઇબ્રેરી બનાવશે તેવી દરખાસ્ત આજે કમિશનર ડો.ઓમપ્રકાશ દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય અંદાજપત્રમાં મૂકવામાં આવી છે. જેને આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકરને વિધિવત રીતે બજેટની કોપી સુપ્રત કરવામાં આવી હતી. આ બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હોવાની સાથે આગામી વર્ષોમાં જૂનાગઢને વિકસિત શહેર તરીકે વિકસાવવાની નેમ પણ વ્યક્ત કરવામાં આવી છે.
સામાન્ય અંદાજપત્રમાં વિવિધ કરોમાં 20%નો વધારો કરવાનું સૂચન રાખવામાં આવ્યું છે. તેની પાછળ શહેરમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવાની સાથે આગામી વર્ષમાં જુનાગઢ મનપામાં ખાલી જગ્યા પર ભરતી કરવા પાછળ વધારાનો જે ખર્ચ મનપાને થવા જઈ રહ્યો છે તેમાં ઓછું ભારણ રહે તે માટે ટેક્સમાં 20 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની આવક વધારવા માટે આગામી નાણાકીય વર્ષમાં 50 કરોડના મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેના થકી કોર્પોરેશનની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય જુનાગઢ શહેરમાં આવેલા રોપવે ઉપરકોટ સકરબાગ સહિત પર્યટન સ્થળો પર ટિકિટના જે દર છે, તેમાં પ્રવાસી ભારણ ફી લગાવવાની એક દરખાસ્ત પણ કમિશનર દ્વારા નવા અંદાજપત્રમાં કરવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારમાં એક્ઝિબિશન અને ક્ધવેન્શનલ હોલ માટે 30 કરોડ રૂૂપિયાની જોગવાઈ પણ થઈ છે. આ સિવાય મોતીબાગ વિસ્તારમાં 13 કરોડના ખર્ચે જૂનાગઢ મનપાને પ્રથમ વખત આધુનિક લાઇબ્રેરી બનાવશે તેવી જોગવાઈ પણ બજેટમાં સૂચિત કરાઈ છે.
- Advertisement -
આગામી નાણાકીય વર્ષમાં જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં આધુનિક ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન પણ રજૂ કરાયું છે જેની પાછળ અંદાજિત 17 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે આ સિવાય શહેરમાં 25 કરોડના ખર્ચે રમતગમત અને અન્ય પ્રવૃત્તિ માટે એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાની વાત પણ બજેટમાં મૂકવામાં આવી છે. તેમજ 50 ઈલેક્ટ્રીક બસ પાછળ અંદાજિત 10 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે આ સિવાય શહેરમાં 10 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થઈ શકે તે માટે એક સોલાર પ્લાન્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે જેમાં અંદાજિત 53 કરોડનો ખર્ચ થવાની શક્યતાનો અંદાજ રાખવામાં આવ્યો છે 53 કરોડ પૈકી 37 કરોડ કેન્દ્ર અને રાજ્ય સરકારનું અનુદાન અને 20 કરોડ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી ખર્ચીને સોલાર પ્લાન્ટ સ્થાપવાની વાત બજેટ મા કરવામાં આવી છે.
કમિશનરના વર્ષ 2025 – 26ના અંદાજપત્રમાં શું શું સૂચવ્યું
01, અંદાપત્રમાં વિવિધ વેરામાં 20%નો વધારો
02, પ્રદુષણ મુક્ત માટે 50 ઇલેક્ટ્રીક બસ સેવા
03, ત્રણ નવા ફાયર સ્ટેશન અને સોલાર પાર્ક
04, શહરેના 10 માર્ગોને ડસ્ટ ફ્રી બનાવવા
05, 13 કરોડના ખર્ચે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી
06, 10 નવા સ્માર્ટ પબ્લિક ટોયલેટનો સમાવેશ
07, 20 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ સ્થપાશે