કુહાડી જેવા હથિયારના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું, કાન કાપી નાખ્યા, જ્યાં હત્યા થઇ તે વાડી વિસ્તાર
પતિ-પૂર્વ પતિ સહિતના શકમંદોની પૂછતાછ પણ હજુ સુધી પોલીસને કોઈ લીડ મળતી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી શનિવારે સાંજે લાપતા થયેલ મહિલાની બીજા દિવસે સવારે ઘરથી દોઢેક કિલોમીટર દૂર અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે સાથોસાથ હત્યાનો ઈરાદો લૂંટનો કે પારિવારિક, અવાવરું જગ્યાએ સાંજે જવાની જરૂર શું, તે સહિંતા પ્રશ્નો પેચીદા બન્યા છે તેમજ હત્યામાં કુહાડી જેવા હથિયારનો ઉપયોગ થયાનું જાણવા મળ્યું છે જો કે જ્યાં હત્યા થઇ તેની આજુબાજુમાં વાડી વિસ્તાર હોય બદઇરાદે કોઈ શ્રમીકે હત્યાને અંજામ આપી દાગીના-રોકડ લૂંટી લીધા કે શું તે સહિતના અનેક પ્રશ્નો વચ્ચે પોલીસે પતિ અને પૂર્વ પતિ સહીત દસેક શકમંદોની આગવી ઢબે પૂછપરછ શરુ કરી છે મૃતદેહ ઉપરથી સોનાનું મંગળસૂત્ર, સોનાનો નાકનો દાણો, ચાંદીના સાંકળાં, ચાંદીની બંગડી સહીત અઢી લાખના દાગીના ગાયબ હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતાં અને સસરા વિજયભાઈ વારડેના મનહર પ્લોટ ખાતે આવેલ પ્રીન્ટીંગ (ડાય પંચીંગ) ના કારખાનામાં રીક્ષાના ફેરા કરી પરિવારનું ગુજરાન ચલાવતા અમીતભાઈ પ્રવીણભાઈ બાવરીયા ઉ.27એ ભગવતીપરામાં કોપર ગ્રીન સીટીમાં રહેતા બહેન સ્નેહાબેન હિતેષભાઇ આસોડીયાની હત્યા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પરિવારમાં પિતા પ્રવીણભાઈ માતા અલ્કાબેન અને ત્રણ બહેનો છે. જેમાં સૌથી મોટા બહેન જયાબેન મકવાણા, તેનાથી નાના બહેન સ્નેહાબેન ઉર્ફે સેવુ હિતેષભાઈ આસોડીયા હતાં તેના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલા હિતેષભાઈ આસોડીયા સાથે થયા હતા. ત્યારથી બન્ને ભગવતીપરામાં કોપર ગ્રીન સીટી, બ્લોક નં-16, ખાતે રહે છે. બહેનને સંતાનમાં બે વર્ષનો એક દિકરો શીવાંશ છે બનેવી હિતેષભાઈ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ લોખંડની ચોરસી બનાવવાનુ કારખાનુ ધરાવે છે આ બહેનના બીજા લગ્ન છે, અગાઉ તેના લગ્ન કોઠારીયા રોડ પર રહેતા દિપકભાઈ ગુજરાતી સાથે 13 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ છુટાછેડા થયા હતા ત્યારથી બહેન તેમની સાથે રહેતી હતી.
- Advertisement -
ગઈ તા.22ના તે તેમની પત્ની અવની સાથે કોઠારીયા રોડ પર આવેલ ડી-માર્ટમા ખરીદી કરવા ગયા હતા તે દરમ્યાન બહેન અવનીનો ફોન આવ્યો કે, સેવુ તારે ત્યા આવી છે ? હિતેષનો ફોન આવ્યો હતો. જેથી મેં કહ્યું કે, હું હાલ મોલમા છુ ઘરે જઈને વાત કરૂ, બાદમા ઘરે જઈ માતાને પૂછતાં જાણવા મળેલ કે, બહેન સેવુ ઘરેથી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પાણીપુરી ખાવા જવાનુ કહી નીકળેલ છે, પરંતુ હજુ સુધી ઘરે પહોંચી નથી જેથી રાત્રીના તે તેના પત્ની સાથે બહેનના કોપરગ્રીન ખાતેના ઘરે જવા નીકળ્યા ત્યારે બનેવીને ફોન કરતા તેમણે કહ્યું કે તારી બહેન ઘરેથી પાણીપુરી ખાવા નીકળુ છુ, તેમ કહી સાંજથી નીકળેલ છે અને તેણીનો મોબાઇલ ફોન પણ ઘરે રાખીને ગયેલ છે. હજી સુધી ઘરે પહોંચી નથી. તેણીએ કહ્યુ હતુ કે, તમે આપણા દિકરાને તેડતા આવજો અને આવતી વખતે મને પણ તેડી જજો હાલ હુ શીવાંશને મૂકવા મારા પપ્પાના ઘરે જાવુ છુ અને થોડીવારમાં ત્યા પહોંચુ છું થોડો સમય ઘરે બનેવી સાથે ચર્ચા કર્યા બાદ બહેનને શોધવા નીકળ્યા હતા તેમજ અલગ-અલગ સી.સી.ટી.વી. ફૂટેજ જોતા બહેન લાલ કલરના કૂર્તા તેમજ કાળા કલરની લેગીસમા જતી દેખાય છે જે આધારે દોઢેક વાગ્યા સુધી તેણીને શોધેલ, પરંતુ બહેન ક્યાય મળી આવેલ નહી. જેથી રાત્રે બે અઢી વાગ્યાના અરસામા અમો અમારા બનેવીના ઘરેથી છૂટા પડેલ. જે બાદ તેઓ ઘરે જતા રહ્યા હતા સવારે આશરે 09/50 વાગ્યે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સોશીયલ મીડીયા ગ્રુપમાં એક સમાચાર વાંચેલ જેમાં વેલનાથપરા વિસ્તારમાં અજાણી યુવતીની લાશ મળી તેવુ લખેલુ હતુ અને સાથે એક મહીલાનો ફોટો પણ હતો. જે ફોટો જોતા તેમાં મહીલાએ પહેરેલ કપડા બહેને ગઈકાલે જે કપડા પહેરેલ હતા તેવા જ હોય તેમજ બાંધો જોતા મારી બહેનના બાંધા જેવો જ જણાતો હતો. જેથી બહેનને ઓળખી લીધી હતી જે બાદ તુરત જ બનેવીને ફોન કરી આ બાબતે જાણ કરી જે જગ્યાએ બનાવ બનેલ છે તે જગ્યાની જાણ થતા સ્થળ ઉપર પહોચેલ અને ત્યા જઇને જોયું તો બહેનની લાશ ભગવતીપરા મેઇન રોડથી વેલનાથ પરા તરફ જવા માટેના કાચા રસ્તા પર મેઇન રોડથી આશરે 300 મીટર અંદર કાચા માર્ગ પર લોહીલોહાણ હાલતમાં પડેલ હતી બહેનના નાકના ભાગે, આંખની બાજુના ભાગે, કાનના ઉપરના ભાગે તેમજ માથામા ઉપરના ભાગે કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરેલ હતી. તેમજ બહેનના શરીર ઉપર કોઈ ઘરેણું પણ હતુ નહી જ્યાં બનાવ બન્યો તે વાડી વિસ્તાર છે જેથી ત્યાં લોકોની અવરજવર પણ ઓછી હોય છે બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડિસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને એફએસએલ અને ડોગ સ્કોવર્ડની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને બી. ડિવિઝન પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો પોલીસે મૃતકના પતિ અને પૂર્વ પતિ સહિતના શકમંદની પૂછતાછ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઈ લીડ મળી નથી જો કે મહિલાના મોતથી એક પુત્રએ માતાનું છત્ર ગુમાવ્યું છે.
મહિલાનો મોબાઈલ ઘરે હતો : ભૂલી ગયા હતા કે અન્ય કોઈ કારણ ?
આજના યુગમાં લોકો બધું ભૂલી જાય પણ પોતાનો મોબાઈલ સાથે લઇ જવાનું કોઈ ભૂલતું નથી ત્યારે આ કેસમાં હત્યાનો ભોગ બનનાર મહિલાનો ફોન ઘરેથી મળી આવ્યો છે પોતે ઉતાવળમાં ફોન ઘરે જ ભૂલી ગયા કે અન્ય કોઈ કારણ તે પ્રશ્ર્ન પણ તપાસ માંગી લ્યે તેમ છે.
સમી સાંજે અવાવરું જગ્યાએ જવાનું કારણ શું ?
પતિને પાણીપુરી ખાવા જવાનું કહી નીકળેલી મહિલા ઘરથી દોઢ કિલોમીટર અને મુખ્ય રસ્તાથી 300 મીટર અંદર જે અવાવરું જગ્યા છે ત્યાં કેવી રીતે પહોંચી, સમી સાંજે અવાવરું જગ્યાએ જવાનું કારણ શું, તે પણ તપાસનો વિષય બની ગયો છે.
રહસ્યના આટાપાટા સર્જતી ઘટનામાં બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ
ભગવતીપરામાં જે સ્થળેથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે તે સ્થળે એકપણ સીસીટીવી નહીં હોવાથી પોલીસ માટે ભેદ ઉકેલવો વધુ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાડ્યું છે જ્યાં તીસરી આંખ ન હોય તેવા કિસ્સાઓમાં પોલીસ પોતાના બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરતી હોય છે શું આ કેસમાં કોઈ બાતમીદારની બાતમી ભેદ ઉકેલવામાં મદદરૂપ થશે ?
ચાલું વર્ષે હત્યાના 37 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં ચાલુ વર્ષે હત્યાના 37 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે ગત દિવાળી ટાણે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રિપલ મર્ડર નોંધાયા હતા તેમજ દિવાળી પર્વમાં જ સીએલએફ ક્વાટર પાસે ગાંધીગ્રામના યુવકની અને જામનગર રોડ ઉપ્પર પણ યુવકની હત્યા થઇ હતી તે પછી નવાગામમાં માતાએ બે દીકરીની હત્યા કરી આપઘાત કરી લીધાની અને નાગેશ્વરમાં પત્નીને ગોળી ધરબી હત્યા કરી પોતે પણ લમણે ગોળી ખાઈ આપઘાત કરી લીધાની ઘટનાઓ હજુ તાજી જ છે.



