દિકરી-દિકરાના પ્રેમ સંબંધને કારણે ઘટના, ગામમાં ચકચાર
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપરા ગામે ભાઈએ જ સગી બહેનની હત્યા કરવાના બનાવથી અરેરાટી મચી ગઈ છે. માહિતી મુજબ, નરેશભાઈ ખીમાભાઈ ચૌહાણે પોતાની બહેન ગીતાબેન (ઉંમર 48)ના ઘરે ઘુસી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગીતાબેનનો દિકરો હાર્દિક અને નરેશભાઈની દિકરી ખુશી વચ્ચેના પ્રેમ સંબંધને કારણે મનદુ:ખ રાખીને ભાઈએ આ અત્યંત ગંભીર કૃત્ય અંજામ આપ્યું હતું. પ્રેમ સંબંધને કારણે દીકરી ભાગી જવાથી મનદુ:ખમાં ભરાયેલા નરેશભાઈએ ગુસ્સામાં આવી બહેનની હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં એ.એ.પી. જયવીર ગઢવી, પીઆઈ આઈ.જે. ગીડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બગસરા હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવને કારણે નાના એવા સાપરા ગામમાં ચકચાર ફેલાઈ ગઈ છે.