13 હજાર ફીટની ઊંચાઈ પર સ્થિત ટનલને બી.આર.ઓ.ના ઈજનેરોએ ઓસ્ટ્રેલિયાઈ ટનલિંગ ટેકનિકથી તૈયાર કરી છે
ડ્રેગનનો સામનો કરવા માટે ભારતીય સેના સજ્જ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અરુણાચલ પ્રદેશમાં દુનિયાની સૌથી લાંબી ટનલ ખુલવા જઈ રહી છે. આ ટનલ ભારત માટે અતિ-મહત્ત્વપૂર્ણ છે. તેના કારણે ભારતીય સૈનિકોને ચીન સીમા સુધી જલ્દી પહોંચવામાં મદદ મળશે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું નિર્માણ કર્યું છે. ડબલ લેનવાળી ટનલ 13 હજાર ફીટની ઊંચાઈ પર સ્થિત છે. રક્ષા મામલાના જાણકારોના મતે, આ ટનલને કારણે તવાંગ જેવા બોર્ડર વિસ્તારમાં સેનાની તેનાતીમાં સરળતા રહેશે. ભારતીય સેના અરુણાચલ પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેથી ચીન સામે મુકાબલામાં આસાની રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં સેલા ટનલ પ્રોજેક્ટની શરૂઆત બાલીપારા-ચારદુઆર-તવાંગ રોડ પરથી કરાવી હતી. આ પ્રોજેક્ટ માટે રૂપિયા 700 કરોડનો ખર્ચ થયો છે. ભારત દ્વારા ચીનના પડકારને પહોંચી વળવા માટે આ ક્ષેત્રમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેલા ટનલ યોજના પૂરી થવામાં ભારે વરસાદ, વાદળ ફાટવા જેવા અનેક વિક્ષેપોને કારણે વિલંબ થયો હતો.
તવાંગમાં શિયાળામાં રોડ કનેક્ટિવિટી મોટો ઈશ્યુ બનતો હોય છે ત્યારે, ચીનની બોર્ડર પાસે આવેલા પ્રોજેક્ટ સેલાથી બોર્ડર વિસ્તાર તવાંગ સુધી પહોંચવાના સમયમાં એક કલાક જેવો ઘટાડો થશે. આ સાથે જ કોઈપણ સીઝનમાં કનેક્ટિવિટીનો પ્રશ્ન રહેશે નહીં. આ પ્રોજેક્ટમાં ટનલ-1 980 મીટર લાંબી છે. જ્યારે, ટનલ-2 1,555 મીટર લાંબી છે, જે ટ્વીન ટયુબ ટનલ છે. પ્રોજેક્ટમાં બે રોડ સામેલ છે, જે 7 અને 1.3 કિમીના છે.
ટનલ-2માં બે-લેનની ટયુબ અને ઈમરજન્સી માટે એક એસ્કેપ ટયુબ છે. જેના નિર્માણમાં 50થી વધુ ઈજનરો અને 500 બીઆરઓ વર્કર્સ સામેલ હતાં. આ ટનલ બનાવવામાં ઓસ્ટ્રેલિયાની ટનલિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, એક અઠવાડિયા બાદ અન્ય એક ટનલ નેચિફૂનો આરંભ થવાનો છે, જેનાથી સેનાને સરહદ પર કિલ્લેબંધી કરવામાં આસાની રહેશે.500 મીટરની નવી ટનલને વેસ્ટ કામેંગમાં 5,700 ફીટની ઊંચાઈ પર બનાવવામાં આવી છે.