દુલ્હનને કરોડરજ્જુમાં ગંભીર ઈજા છે અને કદાચ આજીવન એ ચાલી નહીં શકે
ખાસ-ખબર ન્યૂઝ કેરળ
- Advertisement -
કેરળથી એક હૃદયદ્રાવક સાથે દિલ જીતી લેનારા સમાચાર સામે આવ્યા છે. એક ખાનગી હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં એક અદભુત દ્રશ્ય સામે આવ્યું છે. જેણે પણ આ દ્રશ્ય જોયું કે સાંભળ્યું તેને શાહિદ કપૂર અને અમૃતા રાવ અભિનીત ફિલ્મ ‘વિવાહ’ યાદ આવી ગઈ. હકીકતમાં એક દુલ્હનને તેના લગ્નના દિવસે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. તેણીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે વરરાજાના પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે લગ્ન રદ કરવાને બદલે તે જ શુભ તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું. ક્ધયાના પરિવારે સંમતિ આપી, અને દંપતીએ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લગ્ન કર્યા. આ અનોખા લગ્ન કોચીનની લેકશોર હોસ્પિટલમાં થયા હતા. અલાપ્પુઝાના કોમ્માડીની રહેવાસી અવની શુક્રવારે થુમ્બોલીની શેરોન સાથે લગ્ન કરવાની હતી. જોકે, તે સાંજે તેના દુલ્હનનો મેકઅપ કરાવવા જતી વખતે અવનીનો અકસ્માત થયો. તેને તાત્કાલિક કોટ્ટાયમ મેડિકલ કોલેજ લઈ જવામાં આવી. જોકે, કરોડરજ્જુમાં ગંભીર ઈજાને કારણે તેને વિશેષ સારવાર માટે એર્નાકુલમની લેકશોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ દરમિયાન શેરોન અને તેનો પરિવાર પણ હોસ્પિટલમાં પહોંચ્યા. લગ્નનો શુભ સમય બપોરે 12:15થી 12:30 વાગ્યાનો હતો. બંને પરિવારો પરસ્પર સંમતિથી તે સમયે લગ્ન યોજવા સંમત થયા. ત્યારબાદ તેઓએ ડોક્ટરોની પરવાનગી માંગી અને પરવાનગી મળી ગઈ. હોસ્પિટલના સ્ટાફે બંને પરિવારને મદદ કરીને તાત્કાલિક લગ્નની વ્યવસ્થા કરી અને સજાવટ શરૂ કરી. જોકે, ક્ધયાને વધુ પડતી તકલીફ ન પડે તે માટે વરરાજા પોતે થાળ (થાળી) ઇમરજન્સી વોર્ડમાં લાવ્યો, અને લગ્નની બધી વિધિઓ કરવામાં આવી. દુલ્હનની સ્થિતિ અંગે અપડેટ આપતાં, ન્યુરોસર્જરી વિભાગના વડા ડો. સુધીશ કરુણાકરણે જણાવ્યું હતું કે, અવનીના કરોડરજ્જુની સારવાર ચાલી રહી છે. ટૂંક સમયમાં તેની સર્જરી કરવામાં આવશે. હોસ્પિટલમાં લગ્નની જાણ થતાં નજીકના લોકોએ પણ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
અવસાદને આનંદમાં પલટાવ્યો, મુસીબતમાં પણ સાથે ન છોડ્યો
લગ્નનો દિવસ દરેક માટે આનંદનો પ્રસંગ હોય છે. જોકે ક્યારેક કોઈના જીવનમાં આ દિવસ અવસાદ લઈ આવે છે પરંતુ અવસાદને અવસરમાં પલટી શકાય છે. આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે – અવની (શાળાના શિક્ષિકા, બિશપ મૂર સ્કૂલ, ચેર્થલા) અને શેરોન (સહાયક પ્રોફેસર, કેવીએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અલાપ્પુઝા). શેરોને ડેક્કન ક્રોનિકલને કહ્યું, ‘અમે વર્ષોથી રિલેશનશીપમાં હતા, પરિવારના સંપૂર્ણ સમર્થન સાથે અને લગ્ન કરવા જઈ રહ્યા જતા. અકસ્માતે બધું ઉલટાવી દીધું, પરંતુ અમે મુશ્કેલીઓ આવવા છતાં પણ સાથે રહેવાનું નક્કી કર્યું.’ અવનીના પિતા એમ. જગદીશ અને માતા, જ્યોતિએ કહ્યું, ‘અમને અમારી પુત્રીની હિંમત પર ગર્વ છે. આ લગ્ન અમારા જીવનમાં એક વળાંક છે.’



