સમાજે ભાજપ સંગઠન સાથે હંમેશા ખભેખભા મિલાવીને રહેવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ આયોજિત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થિયેટર) સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પાંચમા દિવસે બ્રહ્મ સમાજના તમામ તળગોળના ભાજપના આગેવાનો અને સમાજ અગ્રણીઓએ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે બ્રહ્મ સમાજે અન્ય સમાજની જેમ હંમેશા રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં ખભેખભા મિલાવી સાથે રહેવાનો અને ભવિષ્યમાં પણ રહેશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રહ્મ સમાજ હંમેશા ભાજપ સાથે હતો, હાલમાં છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સનાતન ધર્મને પ્રેરણા, પ્રોત્સાહન અને રક્ષણ પૂરું પાડતી વિચારધારા છે. આ મહાઆરતીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા અને વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન થઈ રહ્યું છે. પાંચમા દિવસની મહાઆરતી અંગે માહિતી આપતા ડો. પરેશભાઈ ઠાકર, સંજય દવે, જીજ્ઞેશ જોષી, પૂર્વેશભાઈ ભટ્ટ અને ડો. એન.ડી. શીલુએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજના કર્મકાંડી બ્રાહ્મણો, એડવોકેટ્સ, ડોક્ટર્સ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સહિત તમામ વ્યવસાયિક અબાલવૃદ્ધ બ્રાહ્મણો સહપરિવાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે શહેર ભાજપ સંગઠનને જ્યારે પણ જરૂર પડે ત્યારે એક અવાજે સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમનું સંકલન પૂર્વ રાજ્ય કેન્દ્રીય મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકર સહિતના અનેક અગ્રણીઓએ કર્યું હતું.



