પીટર નાવારોએ ભારત પર પોતાનો હુમલો વધુ તીવ્ર બનાવ્યો, નવી દિલ્હી પર રશિયન તેલની લોન્ડરિંગ, બ્રાહ્મણ ઉચ્ચ વર્ગ દ્વારા નફાખોરી અને વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો.
યુક્રેન અને રશિયા યુદ્ધને મોદીનું યુદ્ધ કહેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. તે હવે ભારતીયોમાં ભાગલા પાડોની નીતિ અપનાવી રહ્યા છે. નવારોએ ભારતના બ્રાહ્મણો પર નફાખોરીનો આરોપ મૂકતાં જાતિવાદ ભડકાવી રહ્યા છે, તેમણે કહ્યું કે, ભારતીય બ્રાહ્મણો ભારતીયોના ભોગે સૌથી વધુ નફો રળી રહ્યા છે.
- Advertisement -
ભારતીયોના ભોગે નફાખોરી
નવારોએ આ નિવેદન ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવી રહેલા ક્રૂડના સંદર્ભમાં આપ્યું છે. તેમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા કહ્યું હતું કે, હું ભારતીયોને સમજાવવા માગુ છું કે, શું ચાલી રહ્યું છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બ્રાહ્મણો ભારતીયોના ભોગે વધુ નફો કમાઈ રહ્યા છે. પુતિન પાસેથી ક્રૂડ ખરીદવા બદલ માત્ર નવી દિલ્હીને જ સજા નથી મળી, ચીનને પણ મળી છે. ભારત પર વધારાનો ટેરિફ પુતિન પર અંકુશ લાદવા માટે લાદવામાં આવ્યો છે.
નવારોએ અગાઉ પણ ઝેર ઓક્યું
- Advertisement -
ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝર નવારોએ અગાઉ પણ ભારત વિરૂદ્ધ અનેકવખત ઝેર ઓક્યું છે. ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રોડક્ટ્સ પર લાદવામાં આવેલા કુલ 50 ટકા ટેરિફને યોગ્ય ગણાવતાં નવારોએ ભારતને અગાઉ ચીમકી આપી હતી કે, વડાપ્રધાન મોદીની પુતિન અને જિનપિંગ સાથેની નિકટતા વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી રહી છે. ભારત ટેરિફનો મહારાજા છે. તે વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલે છે. અમે ભારતમાં મોટાપાયે નિકાસ કરીએ છીએ, જેનું નુકસાન અમેરિકાના મજૂરો, કરદાતાઓ અને યુક્રેનના લોકોને થઈ રહ્યું છે. મોદી મહાન નેતા છે. મને સમજણ નથી પડી રહી કે, ભારત વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર છે, તો તે પુતિન અને જિનપિંગ સાથે કેમ હળીમળી રહ્યા છે.
SCOમાં ત્રણ મહાસત્તાના મિલનથી ટ્રમ્પ સરકારમાં ખળભળાટ
હાલ ચીનમાં ચાલી રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં ચીન, ભારત અને રશિયા એકજૂટ થતુ નજરે ચડ્યું છે. જેનાથી ટ્રમ્પ સરકારમાં ખળભળાટ મચ્યો છે. નવારોએ આ ટીપ્પણી આ સંમેલન દરમિયાન કરી છે. ઉલ્લેખનીય છે, ભારત પર 50 ટકા ટેરિફના મુખ્ય યોજનાકાર નવારો જ છે. પરંતુ ભારતે નમતું ન મૂકતાં નવારો સતત ભારતની વિરૂદ્ધમાં ટિપ્પણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ સમાજના ઉચ્ચ-ધનિક વર્ગના લોકો માટે થાય છે.




