સમીર પટેલની જેમ જયસુખ પટેલને બચાવી લેવાશે?!
એમોસનાં સમીર પટેલ અને ઓરેવાનાં જયસુખ પટેલને રાજકીય નેતાઓનું પીઠબળ: સરકાર જ બચાવપક્ષની ભૂમિકામાં, સમગ્ર મામલે તપાસ એટલે નર્યું નાટક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
થોડા મહિનાઓ અગાઉ બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં કેમિકલયુક્ત દારૂ પીવાથી આશરે 50થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને હવે થોડા દિવસો અગાઉ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા આશરે 150થી વધુ લોકોના મોત થયા છે. બોટાદ અને મોરબીમાં થયેલી આ બંને માનવસર્જિત દુર્ઘટના બાદ સરકાર પર અનેક સવાલો ઉઠવાના શરૂ થયા છે. એવું પૂછાઈ રહ્યું છે કે, શું બોટાદ લઠ્ઠાકાંડની જેમ જ મોરબી ઝૂલતા પુલ હોનારતમાં પણ ભીનું સંકેલાઈ જશે? કારણ કે, લઠ્ઠાકાંડની ઘટનામાં પણ સરકારે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પણ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી એમોસ કંપનીના સમીર પટેલને બચાવી લેવામાં આવ્યો હતો. આ જ પ્રકારે મોરબી ઝૂલતા પુલ હોનારતમાં પણ સરકારે કડક કાર્યવાહી કરવાની ખાતરી તો આપી છે પણ ઝૂલતા પુલ હોનારતના મુખ્ય આરોપી ઓરેવા કંપનીના જયસુખ પટેલને સરકાર બચાવી લેશે એવું કહેવાય રહ્યું છે. લઠ્ઠાકાંડ બાદ સમીર પટેલ પણ ફરાર હતો અને પોલીસ તેને પકડી શકી નહતી. ઝૂલતા પુલ હોનારત બાદ જયસુખ પટેલ પણ ફરાર છે.
બોટાદ લઠ્ઠાકાંડના મહિનાઓ બાદ પણ આ ઘટનાના મુખ્ય દોષિત સમીર પટેલ સામે કોઈ પગલાં જ નહોતા લેવાયા નથી. મોરબી ઝૂલતા પુલ હોનારતમાં પણ આટલા દિવસો બાદ હજુ આ ઘટનાના મુખ્ય દોષિત જયસુખ પટેલ સામે પણ કોઈ પગલાં લેવાયા નથી. આ પાછળ એવું ચર્ચાઈ રહ્યું છે કે, એમોસના સમીર પટેલ અને ઓરેવામાં જયસુખ પટેલને રાજકીય નેતાઓનું પીઠબળ છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સમીર પટેલને ભાજપ નેતા સૌરભ પટેલ સાથે તો ઝૂલતા પુલ હોનારતના મુખ્ય આરોપી જયસુખ પટેલને ભાજપ નેતા પરસોત્તમ રૂપાલા સાથે ઘનિષ્ઠ સંબંધો હોય સરકાર જ સમીર પટેલ અને જયસુખ પટેલ જેવા હત્યારાઓના બચાવપક્ષની ભૂમિકામાં છે એટલું જ નહીં પરંતુ સમગ્ર મામલે તપાસ કરી, કમિટી બનાવી માત્ર નર્યું નાટક કરવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
લઠ્ઠાકાંડનાં મૃતકોના પરિવારને હજુ સહાય નથી મળી!
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની સરકારે અને એમોસ કંપનીએ જેતે સમયે મોટી મોટી વાતો કરી પણ હજી સુધી મૃતકોના પરિવારને જાહેર કરાયેલી સહાય પણ નથી મળી. હજુ પણ અહીં ખુલ્લેઆમ દારુ વેચાય છે એટલું જ નહીં, લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીઓ પણ ખુલ્લેઆમ રખડી રહ્યા છે.
- Advertisement -
ભરોસાની ભાજપ સરકાર કસુરવારને સજા કરશે એવો ભરોસો રાખી ન શકાય
મોટી દુર્ઘટના કે હોનારત સમયે સરકાર તરફથી આશ્વાસન તો આપવામાં આવે છે કે, ઘટનામાં કસુરવાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને તમામ પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે પરંતુ રાજ્યમાં અગાઉ બનેલી બરવાળાના લઠ્ઠાકાંડ, સુરતના તક્ષશિલા કાંડ તથા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા બાબતે પણ સરકારે તપાસ સમિતિઓ બનાવી હતી, પરંતુ આવી સમિતિઓના રિપોર્ટ વર્ષો સુધી કાં તો આવતા નથી, અથવા તો પછી તેમણે સૂચવેલા પગલાં લેવાની પણ સરકાર દરકાર લેતી નથી. એવા સમયે હવે લોકોને ભરોસાની ભાજપ સરકાર પરથી ભરોસો ઉઠતો જાય છે. બોટાદના લઠ્ઠાકાંડની જેમ મોરબીના ઝૂલતા પુલની હોનારતમાં પણ સરકાર કોઈ કડક કાર્યવાહી કરી કસુરવારને સજા અને પીડિતોને ન્યાય અપાવશે એવું લાગી રહ્યું નથી.