ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કરપીણ હત્યાના બનાવમાં પોરબંદર પોલીસની ચુસ્ત કાર્યવાહી અને ટીમ વર્ક દ્વારા ગણતરીના કલાકોમાં 12 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. જયારે પોરબંદર જિલ્લાના યુવાન સાગર ઉર્ફે ડબલ મુળજીભાઇ મોતીવરસ (ઉમ્ર 23)ના નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો, ત્યારે પોલીસ તંત્ર તાત્કાલિક સતર્ક બન્યું. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાજડીયા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ કડક સુચનાઓના આધારે તમામ કાર્યવાહી હાથ ધરી. સાગર મોતીવરસની હત્યાની પાછળ જૂના ઝઘડા અને સામાજિક ધાક જમાવવાની કાવતરાના કારણો ઉમટી આવ્યા હતા. આ ઘટનામાં તમામ આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈને, પ્રાણઘાતક હથિયારો સાથે સાગર પર હુમલો કરી, તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
- Advertisement -
આ ઘટનાની તપાસના ભાગરૂપે કુલ 8 ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી. આ ટીમોએ અપાર મહેનત અને બુદ્ધિપ્રયોગથી 12 આરોપીઓને ઝડપ્યા, જ્યારે 1 આરોપી હજી પણ પકડાઈ શકાયો નથી. પકડી પાડેલા આરોપીઓમાં અનીલ ધનજી વાંદરીયા, ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરીયા, યશ ઉર્ફે વાયપી અશોકભાઇ પાંજરી, પ્રિન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશભાઇ ચૌહાણ, રાહુલ ઉર્ફે લાલો મનસુખભાઇ ચામડીયા, કેનીક ધીરજભાઇ શેરાજી, ખુશાલ વિનોદ જંગી, આશીષ ટકો, કુશ કિરીટભાઇ જંગી, કેવલ મસાણી, પવન ઉર્ફે પપ્પુ નરેશભાઇ પરમાર અને આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખભાઇ ગોહેલનો સમાવેશ થાય છે.આ હત્યાના બનાવમાં પકડાયેલા આરોપીઓએ જુદા જુદા વિસ્તારોમાં આશરો લીધો હતો, જેમાંથી કેટલાક બોટોમાં છુપાયા હતા તો કેટલાક જંગલમાં ભાગી ગયા હતા. પરંતુ, પોલીસની અદમ્ય ઇચ્છાશક્તિ અને ચુસ્ત કાર્યવાહી દ્વારા તેઓને ઝડપવામાં સફળતા મળી.આ સમગ્ર કાર્યવાહી માટે પોરબંદર પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓએ અત્યંત મહેનત કરી, જેને કારણે આ ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. આ ઘટનાની તપાસ અને આગળની કાર્યવાહી પર કડક નજર રાખી, પોરબંદર પોલીસ આગામી દિવસોમાં બાકી રહેલ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.