અમને કાગળ મળશે એટલે અમે જવાબ લખી આપીશું: નાયબ કાર્યપાલક ઈજનેરનો ઉડાઉ જવાબ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં સરકાર દ્વારા પાણીના પ્રશ્ર્નનો ઉકેલ લાવવા માટે પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે પરંતુ વર્ષો વિતવા છતાં આજદીન સુધી પાણી નહીં આવતા આખરે હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મનસુખભાઈ કણઝરીયાએ નાયબ કાર્યપાલક ઈજનેરને બૂસ્ટીંગ અને પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવા પત્ર લખ્યો છે જેમાં બૂટવડા, ચંદ્રગઢ, માલણીયાદ, મંગળપુર, ઘણાદ અને એંજાર સહિતના ગામોના બોરમાં પીવાલાયક પાણી નહીં હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા પમ્પિંગ સ્ટેશનો ઉભા કરી દેવામાં આવ્યા છે જે પમ્પિંગ સ્ટેશનો શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ ગાંઠતા નહીં હોવાની નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે. હળવદના રણકાંઠાના વિસ્તારમાં લોકો પીવાના પાણી માટે ટળવળી રહ્યાં છે ત્યારે હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મનસુખભાઈ કણઝરીયાએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને લેખિતમાં પમ્પિંગ સ્ટેશનો ચાલુ કરવા રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆતોને તંત્ર ઘોળીને પી જતું હોય તેવું લાગી રહ્યું છે. રજૂઆત કરવા છતાં પણ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ખ્યાતિબેને પાણીના પ્રશ્ન અંગે ઉડાવ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમને કાગળ મળશે એટલે અમે જવાબ લખી આપીશું અને વધુમાં જણાવ્યું હતું કે, ચેરમેનને કહો કે સીધા અમને જ કાગળ મોકલે. ત્યારે આવો ઉડાવ જવાબ આપતા અધિકારી રણકાંઠા વિસ્તારને ક્યારે પીવાનું પાણી અપાવશે તે પણ જોવું રહ્યું.
- Advertisement -
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પાઈપલાઈનમાં અનેક જગ્યાએ ભૂતિયા કનેક્શનો!
હળવદના વિવિધ ગામોમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપ લાઈનમાં ઠેર ઠેર ભૂતિયા કનેક્શન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેમાં વેગડવાવ પાસે ખેડૂતો પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં ભૂતિયા કનેક્શન કરી પાણી લઈને પીયત કરતા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે કાગળો અને રજૂઆતની વાત કરતા અધિકારીઓ પીવાના પાણીની સમસ્યા દૂર કરે તે પણ જરૂરી છે.
નબળી ગુણવત્તાની કામગીરી અંગેની રજૂઆતોને ઘોળીને પી જતાં અધિકારીઓ
હળવદ તાલુકાના માલણીયાદ ગામે ૠઠજજઇના પમ્પિંગ સ્ટેશનની નબળી કામગીરી થતી હોવાની અનેક રજૂઆતો અરજદારો દ્વારા કરવામાં આવી હતી પરંતુ આજદીન સુધી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ નિગમે નબળી કામગીરી અંગે ક્યારેય સ્થળ ચકાસણી કે કામગીરીમાં કોઈપણ પ્રકારનો સુધારો કરાવવાની તસ્દી લીધી નથી જેથી કરીને રણકાંઠા વિસ્તારમાં પાણી પહોંચે તે પહેલા ઠેર ઠેર નબળી કામગીરીની પોલ છતી થવા પામી છે.