આપણા દેશમાં IPLની તુલના ભારતના તહેવાર તરીકે કરવામાં આવે છે.
ભૂતકાળના શહેર ક્રાઈમ બ્રાન્ચના મહત્ત્વના એક અધિકારીએ ભૂલથી ઓફિસરના બદલે મીડિયા વ્હોટ્સએપ્પ ગ્રુપમાં મંજૂરીવાળા 70 બૂકીઓની યાદી મૂકી હતી.
- Advertisement -
ધારાસભ્ય ગોવિંદભાઈએ કરેલા લેટરબોમ્બ બાદ શહેરના પૂર્વ સી.પી. મનોજ અગ્રવાલે તમામ ગેરકાયદે મંજૂરીવાળા ધંધાર્થીઓની મંજૂરી રદ કરી.
ખાસ-ખબર સંવાદદાતા
આપણા દેશમાં ક્રિકેટને ધર્મ ગણવામાં આવે છે. ક્રિકેટ દુનિયાની સૌથી વધુ લોકપ્રિય બનેલી લીગ આઈ.પી.એલ. છે. તેની તમામ મેચનો પ્રારંભ 26 માર્ચથી થાય છે. આઈ.પી.એલ.ની શરૂઆત થાય એ પહેલાં જ જોરશોરથી તેનું વિજ્ઞાપન કરવામાં આવે છે અને આઈ.પી.એલ.ને ભારતનો તહેવાર ગણવામાં આવે છે ત્યારે રાજકોટ પોલીસના કથિત કમિશનકાંડને ધારાસભ્ય ગોવિંદ પટેલે ખુલ્લુ પાડ્યા બાદ શહેરના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં ચાલતાં તમામ ગેરકાયદેસર મંજૂરીવાળા ધંધાર્થીઓની મંજૂરી રદ કરી નાખી હતી. જેના લીધે ભારતનો તહેવાર નજીક આવતા આઈ.ડી. લાઈવ લાઈન ક્રિકેટના સટ્ટાનો કાળો કારોબાર ચલાવવા માટે સ્થાનિક બૂકીઓએ નેપાળ અને દુબઈ તરફ પ્રયાણનું આયોજન કર્યું છે.
- Advertisement -
ભૂતકાળમાં શહેર ક્રાઈમ બ્રાન્ચના એક મહત્ત્વના અધિકારીએ ભૂલથી પોલીસ ઓફિસરના બદલે મીડિયા ગ્રુપમાં મંજૂરીવાળા 70 બૂકીઓની યાદી મૂકી હતી. રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે ત્યારે શહેરના અમુક સ્થાનિક બૂકીઓએ ક્રિકેટના સટ્ટાનો કાળો કારોબાર આપણા દેશ ઉપરાંત અન્ય દેશમાં ચલાવવા માટે આઈ.ડી. નામની એપ્લીકેશન બનાવી છે જેમાં કોઈપણ પંટર ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ સહિતની રમતો પર સટ્ટો ઘર, ઓફિસ કે અન્ય કોઈ પણ સ્થળ પર એપ્લીકેશનના માધ્યમથી સહેલાઈથી રમી શકે છે. આઈ.પી.એલ.ની દરેક સીઝનમાં રાજકોટમાં અંદાજિત 500 કરોડથી ઉપરની રકમનો સટ્ટો રમાય છે.
તાજેતરમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પૂર્વ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વી. કે. ગઢવી સહિતનાઓ પર કથિત કમિશનકાંડનો આક્ષેપ કરતાં રાજ્ય સરકારે તપાસ કમિટીની રચના કરી હતી, અને બાદમાં સંડોવાયેલા અધિકારીઓની બદલીઓ કરી હતી. તે ગાળા દરમિયાન પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરમાં તમામ ગેરકાયદે ચાલતા મંજૂરીવાળા ધંધાર્થીઓની મંજૂરી રદ કરી નાખી હતી જેના લીધે આગામી 26 માર્ચથી આઈ.પી.એલ.ની મેચો શરૂ થાય છે ત્યારે રાજકોટ બાદ કરતાં રાજ્ય અને દેશભરમાં ક્રિકેટનો કાળો કારોબાર ચલાવવાની મંજૂરી છે પરંતુ રાજકોટમાં ન હોવાથી સ્થાનિક બૂકીઓએ નેપાળ અને દુબઈ તરફ પ્રયાણનું આયોજન કર્યું છે. ભૂતકાળમાં ક્રાઈમ બ્રાન્ચના એક મહત્ત્વના અધિકારીએ મંજૂરીવાળા 70 બૂકીઓની યાદી ભૂલથી મીડિયા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દીધી હતી અને બાદમાં તેણે આ ભૂલને સુધારવા માટે તે યાદી તુરંત જ ડીલીટ કરી નાખી હતી પરંતુ તે સમય ગાળા દરમિયાન અમુક મીડિયાકર્મીએ તે યાદી ડાઉનલોડ કરી નાખતા મંજૂરીવાળા ધંધાર્થીઓની યાદીનો ભાંડો ફૂટી ગયો હતો.
IPL માં રાજકોટ પોલીસને 10 કરોડથી વધુનું નુકસાન
ભૂતકાળમાં ક્રાઈમ બ્રાન્ચના મહત્ત્વના અધિકારીએ મૂકેલી યાદી મુજબ મંજૂરીવાળા 70 બૂકી છે. તેમાં પ્રત્યેક બૂકીદીઠ પોલીસ ઓછામાં ઓછી પાંચ લાખ અને વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધીનું સેકશન વસૂલે છે. જ્યારે આઈ.પી.એલ.ની મેચોની શરૂઆત થાય છે ત્યારે મંજૂરીવાળા 70 બૂકી સિવાય શહેરમાં અનેક બૂકીઓનો રાફડો ફાટી નીકળે છે. ત્યારે મંજૂરી અને મંજૂરી વગરના બૂકીઓ અને પંટરોમાંથી રાજકોટ પોલીસને અંદાજે દરેક આઈ.પી.એલ.ની સીઝનમાં 10 કરોડથી વધુ રૂપિયાની કમાણી થાય છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.
ક્રિકેટના સટ્ટામાં પોલીસ એક-બે નાની માછલીને પકડી વાહ-વાહ લૂંટાવે છે
શહેરમાં ક્રિકેટનો જૂગાર રમતાં કોઈ પણ પંટર પકડાય ત્યારે સ્થાનિક પોલીસ પંટર ઉપરાંત વચેટિયાને પકડી મીડિયામાં પ્રેસનોટ આપી વાહ-વાહ લૂંટાવે છે. અત્યાર સુધીમાં શહેર પોલીસે સટ્ટો કોણ રમાડે છે? કોની આઈ.ડી. છે? મુખ્ય બૂકી કોણ છે? તે દિશામાં કોઈ દિવસ તપાસ કરવામાં આવતી જ નથી.
મંજૂરીવાળા ધંધાર્થીઓના પંટરને પીળો પરવાનો
ક્રિકેટનો કાળો કારોબાર ચલાવતા બૂકીઓ પોલીસને સેકશન આપતા હોય છે અને તે બદલ પોલીસ તેનું નામ મંજૂરીવાળા ધંધાર્થીઓની યાદીમાં નોંધ કરે છે ત્યારે તે બૂકી ઉપરાંત તેમાં રમતાં પંટરોને પોલીસ પીળો પરવાનો આપે છે. જ્યારે સટ્ટો રમતો કોઈ પણ પંટર ઝડપાય ત્યારે પોલીસ તેની પૂછપરછ કરે છે અને ક્યા બૂકીમાં રમે છે? મંજૂરીવાળો બૂકી હોય તો તે પંટરને જવા દેવામાં આવે છે અને મંજૂરી વિનાનો બૂકી હોય તો પોલીસ તે પંટર અને બૂકી પાસેથી પાંચથી છ આંકડાની રકમમાં તોડ કરે છે.