ઑનલાઇન ગેમિંગ પર સરકારનો પ્રતિબંધ ફરમાવતો આદેશ માત્ર કાગળ ઉપર
16થી વધુ બજારના ઓપન ટુ કેન ભાવો પણ આંગળીના ટેરવે મોબાઈલમાં ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરકાર દ્વારા ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ ફરમાવતો આદેશ કર્યો છે પરંતુ આ આદેશ માત્ર નામશેષ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણકે ગેમના નામે યુવાધન ઊંધા રસ્તે એટલે કે જુગારના રવાડે ચડી રહ્યું છે અને ભણવાની ઉંમરમાં જુગાર રમી દેણું કરી ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે તેમજ દિશા વિહીન બની જતા હોય છે આવો જ એક વર્ષો જૂનો પ્રચલિત જુગાર એટલે વરલી મટકા જો કે આધુનિક સુવિધાઓ વધતા હવે આ ધંધો પણ આધુનિક બની ગયો છે વર્લી મટકા સર્ચ કરતા જ મોબાઈલમાં ઢગલાબંધ એપ સામે આવી જાય છે લગભગ 16થી વધુ બજારો આ એપમાં ઉપલબ્ધ હોય છે જેમાં કઈ બજારમાં ક્યારે કઈ તારીખે શું ભાવ આવ્યો હતો તે સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય છે જેથી બુકીઓને ભાવ સંભળાવવાની કે પંટરોને કહેવાની પણ જરૂર રહેતી નથી.
રાજકોટ શહેર પોલીસ દ્વારા જુગારનું દુષણ નાબૂદ કરવા અનેક દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમ છતાં આ દુષણ દૂર થતું નથી તેનું મુખ્ય કારણ છે ટેક્નોલોજી કારણકે હવે જુગાર પણ ઓનલાઇન થઇ ગયો છે ખાસ કરીને વાત કરીએ તો વર્લી મટકાના જુગારમાં ફિગર લખાવવાથી માંડીને તમામ પ્રકારના જુગાર હવે ઓનલાઇન થઇ ગયા છે સર્ચ કરતા જ 16થી વધુ બજારોનો ઢગલો સામે આવી જાય છે પંટરને કઈ બજારમાં શું રમત રમવી તે બહુ સરળ થઇ ગયું છે રાજકોટમાં વર્લી મટકાનો જુગાર છાને ખૂણે અને નાના પાયે ચાલી રહ્યો છે સાવ બંધ થઇ ગયો તેવું તો નથી જ છૂટક છૂટક વેપાર લઈને બુકીઓ જેબ ખર્ચી કાઢી રહ્યા છે અગાઉ જામનગર રોડ ઉપર, રેલવે સ્ટેશન રોડ ઉપર, લક્ષ્મીનગર વિસ્તારમાં જે પ્રમાણે જાહેરમાં બુકીઓ ધંધો કરતા હતા તે કદાચ હવે કરવું નામુમકીન છે કારણકે પોલીસ પણ એટલી જ એક્ટિવ થઇ ગઈ છે અને ખાસ કરીને આ પ્રકારના જુગારના ધંધા ચલાવવા દેવા ક્યારેય સમર્થન નથી જ આપતી. જો કે વર્લી મટકાના આ જુગારમાં મોટાભાગે બુકી જ સર થતા હોય છે કારણકે પંટર કોઈ ફિગર રમ્યો હોય જેની સામે બુકી પાસે બાકીના નવ ફિગર હોય છે.
છુટ્ટા ફિગરથી લઈને એસપી, ડીપી, મોટર, સાયકલ સહિતના કોડવર્ડ
વર્લી મટકાનો જુગાર દરેક લોકો પોતપોતાની કેપેસીટી પ્રમાણે રમતા હોય છે આ ધંધામાં છુટ્ટા ફિગરથી લઈને એસપી એટલે કે સિંગલ પાનું, ડીપી એટલે કે ડબલિયું પાનું, જુદા જુદા આંકડાની મોટર, સાયકલ વગેરે કોડવર્ડથી જુગાર રમતા હોય છે સામાન્ય રીતે છુટ્ટા ફિગરમાં એક રૂપિયા સામે 9 રૂપિયા મળે છે જયારે એસપીમાં 1 રૂપિયા સામે 130-140 અને ડીપીમાં 230-240 રૂપિયા મળતા હોય છે.
ગંજીવાડા નાકે જાહેરમાં પેઢી દર પેઢી ચાલતી હતી વર્લી મટકાની ક્લબ
ઘણા વર્ષો પૂર્વે ગંજીવાડાના નાકે મંદિર પાછળ વર્લી મટકાની ક્લબ જાહેરમાં ધમધમતી હતી તે સમયના બુકી જે હાલ હયાત નથી પરંતુ તેના પાર્ટનર હજુ પણ આ જ વિસ્તારમાં જાહેરમાં નહીં પણ છાને ખૂણે આ ધંધો અગાઉના ભાગીદાર જે હાલ હયાત નથી તેના પુત્ર સાથે મળીને ચલાવી રહ્યા છે જો કે અહીંયા પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બે વખત દરોડા પાડ્યા છતાં સુધરે એ બીજા.
આ જ ફિગર આવશે તેવું કહી લોભામણી સ્કીમો આપતા ગઠિયાઓ પણ સક્રિય
વર્લી મટકાની તમામ બજારના જેમ ભાવ ઓનલાઇન ઉપલબ્ધ છે તેવી જ રીતે અનેક ગઠિયાઓ પણ સક્રિય થયા છે જે એવો દાવો કરે છે કે આ બજારમાં આ જ ફિગર અને આ જ પાનું આવશે તેવું કહી પંટરોને ફસાવી તેમની પાસેથી તગડું કમિશન પડાવી રહ્યા છે.
- Advertisement -
અગાઉ બજારમાં શું ફિગર આવ્યો હતો તેના ઉપર જુગારીઓ અજમાવે છે નસીબ
વર્લી મટકાનો જુગાર ઇતિહાસ ઉપર નિર્ભર છે કઈ બજારમાં અગાઉ કયો ફિગર ક્યાં પાને આવ્યો હતો તેના ઉપર પંટરો નીર્ધાર રાખી ફિગર કે પાનું રમતા હોય છે અમુક કિસ્સાઓમાં પાનું અને ફિગર બંને સેમ રિપીટ પણ થતું હોય છે.