દેશની રાજધાનીમાં 5 દિવસમાં ચોથો મામલો: મેઈલમાં લખ્યું- માતા-પિતા વિકૃત મૃતદેહો જોશે તો ખુશી થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શુક્રવારે દિલ્હીનીમાં 45થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં પશ્ર્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને રોહિણી સેક્ટર 3માં અભિનવ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે.
માહિતી મળતાંની સાથે જ દિલ્હી પોલીસ, બોમ્બ-સ્ક્વોડ અને ફાયર સર્વિસની ટીમો સ્કૂલે પહોંચી ગઈ. સાવચેતી રૂપે સ્કૂલોને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી.
રાજધાની દિલ્હીમાં 5 દિવસમાં બોમ્બ ધમકીનો આ ચોથો મામલો છે. અગાઉ 14 જુલાઈએ 2, 15 જુલાઈએ ત્રણ અને 16 જુલાઈએ લગભગ 10 સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજને ધમકીઓ મળી હતી.
બેંગલુરુમાં 40 સ્કૂલમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ વિવિધ સ્કૂલોમાં ગયા અને તપાસ શરૂ કરી હતી.
ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે હું તમારા બધાને આ દુનિયામાંથી ખતમ કરી દઈશ. જ્યારે માતા-પિતા તેમનાં બાળકોના વિકૃત મૃતદેહ જોવા માટે સ્કૂલે પહોંચશે ત્યારે મને ખુશી થશે. પત્રમાં લખ્યું છે કે વિસ્ફોટ પછી હું આત્મહત્યા કરી લઈશ.
મેલમાં લખ્યું છે- મને મારા જીવનથી નફરત છે. મને ક્યારેય કોઈ મદદ મળી નથી. મનોચિકિત્સકો, સાઈકોલોજિસ્ટ, કોઈએ ક્યારેય કાળજી લીધી નથી. તમે ફક્ત લાચાર લોકોને દવાઓ આપો છો. તમે ક્યારેય કહેતા નથી કે એ દવાઓ તમારાં અંગોને ખતમ કરે છે. હું આનો જીવતો-જાગતો પુરાવો છું. તમે બધા મારા જેવાં દુ:ખને પાત્ર છો.