દોઢેક મહિના પૂર્વે ઝડપાયેલા બોગસ તબીબે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા તાલુકાના મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અશિક્ષિત દર્દીઓના જિંદગી સાથે ચેડા કરી ડિગ્રી વગર જ સારવાર કરતા હોય છે ત્યારે ધ્રાંગધ્રાના એજાર ગામે આજથી દોઢેક મહિના પૂર્વે તુષાર સંજયભાઈ સરદાર નામના બોગસ તબીબને સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા છ હજાર રૂપિયાની એલોપેથીક દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જે બાદ બોગસ તબીબ પોતાના વતન ખાતે ચાલ્યો ગયો હતો પરંતુ ફરથી આ બોગસ તબીબે એજાર ગામે પોતાનું ક્લિનિક શરૂ કર્યું હોવાની વિગત સામે આવી છે. આ અગાઉ પણ આશરે ત્રણેક વખત આ બોગસ તબીબ સામે ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરવા અંગેના ગુન્હા નોંધાયા છે છતાં પણ પોતાની દાદાગીરી અને પોલીસનો મનમાં જાણે ડર ન હોય તે પ્રકારે વધુ એક વખત ગ્રામ્ય વિસ્તારની ભોળી અને અશિક્ષિત પ્રજાને લૂંટવા અને તેની સાથે લોકોના જીવન સાથે ચેડા કરવાનું શરૂ કર્યું છે ત્યારે આ બોગસ તબીબે ફરી એક વખત પોતાનું બોગસ ક્લિનિક શરૂ કરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરવાની શરૂ કરતા સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમ કડક કાર્યવાહી કરે છે કે કેમ ? તે જોવું રહ્યું.