કોહવાયેલો મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હૉસ્પિટલે ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
શહેરના કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતાં અને સોમનાથ વે બ્રીજ પાસે સન બ્લાસ્ટ કારખાનામાં મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ગીડવાની ગામના બાબુલાલ રામપ્રસાદ અહીરવારનો 5 વર્ષનો દિકરો વિક્રમ ગત બુધવારે બપોરે અઢી વાગ્યા આસપાસ ઘરમાંથી શેરીમાં રમવા ગયા બાદ પાછો ન આવતાં બાબુલાલ અને પત્નિ બબીતાબેને તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ પતો નહીં લાગતાં પોલીસને જાણ કરતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા સહિતે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી.
દરમિયાન ગઇકાલે શીતળાધારના ખાડામાંથી એક બાળકની લાશ મળતાં આજીડેમ પોલીસ પહોંચી હતી. આ બાળક ગૂમ થયેલો વિક્રમ હોવાની ખરાઇ તેના પરિવારજનોએ કરી હતી. દોઢેક દિવસ સુધી લાશ પાણીમાં પડી રહી હોવાથી ફુલાઇ ગઇ હતી. રમતાં રમતાં ડૂબી જવાથી માસુમ વિક્રમનું મૃત્યુ થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. મૃતક વિક્રમ બે ભાઇમાં નાનો હતો. પરિવારજનોના કહેવા મુજબ તેની માનસિક હાલત પણ ઠીક નહોતી. ગૂમ થયેલા માસુમ દિકરાનો પાણીમાંથી મૃતદેહ મળતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી



