બે મૃતદેહ મળ્યા, 9 હજુ પણ લાપતા; મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે પહોંચ્યા
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
- Advertisement -
જાફરાબાદમાં દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. મધદરિયે બોટ ડૂબી જતા 11 ખલાસીઓ લાપતા થઈ ગયા હતા. સ્થાનિક માછીમારોમાં ચિંતા મચી ગઈ છે.
ખબર મુજબ કોસ્ટગાર્ડ ટીમ દ્વારા દરિયામાં શોધખોળ દરમિયાન બે ખલાસીઓના મૃતદેહ મળી ગયા છે અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હાલ હજુ 9 ખલાસીઓ લાપતા છે, જેના માટે કોસ્ટગાર્ડ ટીમ જહાજ અને હેલિકોપ્ટરની મદદથી દરિયામાં શોધખોળ ચાલુ રાખી છે.ઘટનાના પગલે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જાફરાબાદમાં પહોંચ્યા. તેમણે મૃતક ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી, અને વિસ્તારોની મુલાકાત લઈ માછીમારોના પ્રશ્નો અંગે ચર્ચા કરી. મંત્રી બાવળિયાએ રાજ્ય સરકાર તરફથી પીડિત પરિવાર માટે મળવાપાત્ર સહાય જલ્દીથી આપવામાં આવે તેવી સૂચના આપી. પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, મામલતદાર અને સ્થાનિક બોટ એસોસીએશન પ્રમુખ સહિત અધિકારીઓ તેમજ આગેવાનો સ્થળે હાજર રહ્યા હતા. મંત્રી બાવળિયાએ જણાવ્યું કે આવનારા સમયમાં આવી દુ:ખદ ઘટનાઓ ટાળવા માટે તૈયારીપૂર્વક તકેદારી અને આયોજન જરૂરી છે.