2018ના નોટિફિકેશન બાદ હજુ સુધી વનવિભાગે માત્ર સ્થળ તપાસ જ કરી છે!
GPCBએ ફેકટરીઓ સામે કાર્યવાહી કરી તો વનવિભાગ દ્વારા કેમ નહીં?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના નાના રણમાં અતિદુર્લભ કહી શકાય તેવા ઘુડખર પશુનો વસવાટ છે જેથી વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરાયો છે અને અભયારણ્ય નજીક આવેલ કેટલોક વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવેલો છે જેમાં રેડ કેટેગરીના કે ઓરેન્જ કેટેગરીના એક પણ ઉદ્યોગને ફેકટરીઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં હળવદના ટીકર રણની ઢસીમાં ઘુડખર અભયારણ્ય નજીક આવેલ ઝીરો મીટરની રેન્જ એટલે કે ઈકો સેન્સેટીવ ઝોનમાં યુનેસ્કોએ જાહેર કરેલી કચ્છ બાયો રિઝર્વ જગ્યામાં કેટલીક કેમિકલની ફેકટરીઓ હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે લોકોની અનેક રજૂઆતો બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રેડ તથા ઓરેન્જ કેટેગરીના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ફેક્ટરીઓના વીજ કનેક્શનો કાપી લેવાયા હતા. આ બાબતે અમે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી કે. બી. વાઘેલાનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના દ્વારા ફોન ઉપાડવામાં ન આવતા સંપર્ક થઈ શક્યો ન હતો.
હળવદના ટીકર રણની ઢસીમાં આવેલ ઘુડખર અભયારણ્ય નજીક ગત તા. 1 ઓકટોબર 2018ના નોટિફિકેશન બાદ ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં યુનેસ્કોએ જાહેર કરેલી કચ્છ બાયો રિઝર્વ જગ્યામાં અનઅધિકૃત રીતે રેડ અને ઓરેન્જ કેટેગરીના એકમો ઘણા સમયથી ધમધમી રહ્યા હતા જે અંગે જાગૃત નાગરિકોની અનેક રજૂઆતો બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું હતું અને પાંચેક જેટલી ફેક્ટરીઓને કલોઝર નોટિસ આપીને 25-25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ થાય છે કે ઈકો સેન્સિટિવ ઝોનની નોટિફિકેશન જાહેર થયાના ચાર વર્ષ બાદ પણ વન વિભાગ કે જીપીસીબી દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી? શું આટલા વર્ષોથી આ વિસ્તારમાં ધમધમતી ફેકટરીઓ વનવિભાગને દેખાઈ જ ન હતી? કે પછી કામગીરી કરવામાં કોઈની શરમ આડી આવતી હતી? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અમે સ્થળ તપાસ કરી છે, હવે આગળની કાર્યવાહી કરીશું: RFO
હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરમટાએ જણાવ્યું હતું કે, અમારી ટીમ અભયારણ્ય વિસ્તારમાં ચેકિંગમાં હતી તે દરમિયાન એક કેમિકલયુક્ત પ્રવાહી ભરેલ ટેન્કરને ઝડપી લેવામાં આવ્યું હતું અને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદ જીપીસીબીની ટીમે ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારીને આગળની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અન્ય ફેક્ટરીઓ મામલે અમે સ્થળ તપાસ કરી છે અને આ બાબતે ઉપરથી અભિપ્રાય લઈને હવે આગળની કાર્યવાહી કરીશું.