અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી જૂને આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રમાશે. જેને લઈને ટિકિટની ખૂબ જ ડિમાન્ડ રહી છે અને ફાઇનલ મેચની ટિકિટના ધૂમ કાળાબજાર થઈ રહ્યા છે. ત્રણ ગણા ભાવે ટિકિટો વેચાઈ રહી છે, જેથી કાળાબજારિયાઓને બખ્ખાં થયા છે. ટિકિટો ન મળતાં ક્રિકેટ રસિયાઓ ટિકિટોના મોં માંગ્યા ભાવ ચૂકવી રહ્યા છે.
આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો ગણતરીના કલાકોમાં જ વેચાઈ
- Advertisement -
આઇપીએલ ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટ રસિયાઓ ભારે ઉત્સુક બન્યા છે. અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ યોજાઈ રહી છે જેથી વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમ પર મેચ માણવાનો એક અનેરો લહાવો છે. આઇપીએલ ફાઇનલ મેચની ટિકિટો ગણતરીના કલાકોમાં જ વેચાઈ હતી.
ઓનલાઇન બુકિંગ કરીને હવે કાળાબજારિયાઓ ફેસબુક, વોટ્સએપ પર ત્રણ ગણા ભાવે ટિકિટો વેચી રહ્યા છે. જાણવા મળ્યું છે કે, 15 હજાર રૂપિયાની પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટનો ભાવ 30થી 35 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. સાઉથ પ્રિમિયમની ટિકિટનો ભાવ 6500 રૂપિયા છે. આ ટિકિટ 17 હજાર રૂપિયામાં વેચાઈ રહી છે. દોઢ હજારની ટિકિટ 5 હજાર રૂપિયામાં વેચાવા મંડી છે. 2500 રૂપિયાની ટિકિટ 7500 રૂપિયામાં લેવા ક્રિકેટ રસિયાઓ મજબૂર બન્યા છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, કોમ્પ્લીમેન્ટરી ટિકિટ પણ બમણાં ભાવે વેચાઈ રહી છે. સ્ટેડિયમની આસપાસ જ કાળાબજારિયા ટિકિટ વેચતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાઇનલને પગલે શહેરની હોટલોમાં પણ રૂમોનું બુકિંગ થયું છે. અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ફાઇનલને લીધે હોટલ ઉદ્યોગને પણ ફાયદો થયો છે.