66 નગરપાલિકામાંથી 62માં ભાજપની સત્તા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ તા.18
- Advertisement -
રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસની ફરી નામોશી થઈ છે. જ્યારે બે મોટા અપસેટ થયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીના પરિણામમાં ભાજપે 62 પર જ્યારે કોંગ્રેસે 1 પર કબ્જો કર્યો છે. જ્યારે બાકીની 5 પર અન્ય પક્ષો કિંગમેકરની ભૂમિકામાં છે. આમ કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા છત્તીસગઢની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરાજય બાદ ગુજરાતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું હતું. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે.
ગુજરાતના નાગરિકોનો ભાજપમાં અખંડ વિશ્ર્વાસ: CM ભૂપેન્દ્ર પટેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ તા.18
- Advertisement -
મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને લખ્યું કે ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહીં પણ નક્કર વિકાસની રાજનીતિ. વધુમાં મુખ્યપ્રધાને લખ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે. સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં. આ સાથે જ મુખ્યપ્રધાને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ જગ્યાઓ પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે અને ભાજપે મોટાભાગની સીટ પર વિજય મેળવ્યો છે.