ભાજપ સમર્થકોએ સવાલો ઉઠાવ્યા : હાર્દિક એટલો મોટો નેતા છે કે તેના વિના ભાજપ હારી જતું? હાર્દિકની અરાજકતાવાદી નીતિ ભાજપને પરવડશે?
ખાસ-ખબર સંવાદદાતા
હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂૂ થઈ ચૂકી છે. બે દિવસ બાદ કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયો ખેસ ધારણ કરશે એવા સમાચારો આવતાની સાથે જ ભાજપ સમર્થકોએ ફરી એકવખત હાર્દિકના ભાજપ પ્રવેશ પર આપત્તિ જતાવી ભાજપ હાઇકમાનને અઘરા સવાલો પૂછવાના શરુ કર્યા છે.
- Advertisement -
ગત 17 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે એવા સમાચારો સતત આવી રહ્યા છે. આ દરમિયાન આજરોજ જાણવા મળતી વિગત મુજબ હાર્દિક પટેલ બે દિવસોમાં ભાજપમાં પ્રવેશ કરી કેસરિયો ધારણ કરશે એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપ સમર્થકો અને કાર્યકરો પક્ષના અગ્રણીઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું હાર્દિક પટેલ એટલો મોટો નેતા બનો ગયો છે કે તેના વિના ભાજપ હારી જતું? હાર્દિક પટેલની અરાજકતાવાદી નીતિ ભાજપને પરવડશે? હાર્દિક પટેલને ભાજપમાં લેવાથી ફાયદો શું છે? હાર્દિક પટેલે ભાજપ પર કરેલા આક્ષેપો અને પક્ષના નેતાઓને આપેલી ગાળો કેમ ભૂલાઈ જાય છે?
તમામ પક્ષમાંથી જાકારો પામેલા હાર્દિક પટેલને ભાજપનો આશરો મળવા જઈ રહ્યો છે ત્યારે ભાજપના સમર્થકોમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને હાર્દિક પટેલનાં કેસરિયા કરવા પર ભાજપમાં આંતરિક ધમાસાણ પર થશે એ પણ નક્કી છે. જો હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તો તેનાથી ભાજપને ફાયદો ઓછો અને નુકસાન વધુ થવાનું છે તેમા કોઈ બેમત નથી.
ભાજપ-કોંગ્રેસ સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર હાર્દિકનો સતત વિરોધ
- Advertisement -
હાર્દિક પટેલના કોંગ્રેસ છોડવા અને ભાજપ જોડાવવા અંગે સોશિયલ મીડિયા પર સતત વિરોધ થઈ રહ્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસ સમર્થકો તેની ભારે ઝાટકણી કાઢી રહ્યા છે તો બીજી તરફ તે કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં પ્રવેશ કરે તે પહેલાં જ ભાજપ સમર્થકો પણ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. આમ, સોશિયલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસ સમર્થકો દ્વારા હાર્દિક પટેલનો છેલ્લા કેટલાંક સમયથી સતત વિરોધ થઈ રહ્યો છે.