ઠેર-ઠેર ફૂલડે વધાવી અલગ-અલગ સમાજ દ્વારા સ્વાગત
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે ચૂંટણી ગરમાવો લાવવા ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મેદાને ઉતારી મોરબીમાં જે.પી. નડ્ડા સહીત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મોરબીના પ્રવેશદ્વાર એવા સમય ગેઈટથી નગર દરવાજા સુધીના અંદાજે ત્રણેક કિલોમીટર લાંબા રોડ શોમાં ઠેર-ઠેર અલગ અલગ સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહીત મુખ્યમંત્રીનું અદકેરું અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શો માં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને વિશાળ જનમેદનીમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. અંદાજે ત્રણ કિલોમીટર લાંબા આ રોડ-શોમાં હજારો લોકો જોડાયા હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
- Advertisement -
રોડ-શો માં ખેડૂતો ટ્રેકટર સાથે તો યુવાનો બાઈક લઈને જોડાયા હતા. આ ઉપરાંત રોડ -શો માં મોરબી, વાંકાનેર અને થાન પંથકની રસ મંડળી તેમજ ઢોલ ત્રાસ સાથે હાજર રહેલા લોકોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રોડ શો બાદ ચૂંટણીલક્ષી માહોલ બંધાયો છે અને એક સમયે ભાજપના જ કેટલાક નારાજ ગણાતા નેતાઓ પણ આ રોડ શોમાં જોડાઈ શિસ્તબદ્ધ પાર્ટીની લાઈનમાં આવી ગયા હોવાનું પણ રોડ-શો દરમિયાન જોવા મળ્યું હતું.




