‘આ ગુજરાત અમે બનાવ્યું’, ‘ડબલ એન્જીન સરકાર’ અને ‘ભરોસાની બીજેપી સરકાર’, ભાજપનું જબરજસ્ત માર્કેટિંગ કેમ્પેઈન
માર્કેટિંગ અને ચૂંટણી પ્રચારમાં અવ્વલ નંબર ગણાતી ભાજપે વિધાનસભાની ચૂંટણીને લઈને નવી સ્ટ્રેટેજી અપનાવી છે. ગત 2021માં યોજાયેલી પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપે પેજ પ્રમુખ બનાવી જીત હાંસલ કરી હતી. જ્યારે આ વખતે પેજ પ્રમુખ બાદ વ્હોટ્સએપ પ્રમુખ બનાવી લોકસંપર્ક વધારી દીધો છે. સોશિયલ મીડિયા માટે વોટ્સએપ પ્રમુખ પણ નિયુક્ત કર્યા છે અને તે પોતાના વિસ્તારમાં વોટ્સએપ ગ્રુપો બનાવીને તેમાં ભાજપનો પ્રચાર થાય તે પણ જોશે પણ જે વોટ્સએપ ગ્રુપમાં ભાજપ વિરોધી પ્રચાર થતો હોય તેને પણ ટાર્ગેટ કરશે અને તેમાં ભાજપનો પ્રચાર થાય તે નિશ્ચિત કરશે.
- Advertisement -
વોટ્સએપ ગ્રુપ મારફત પક્ષ પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માગે છે. ખાસકરીને સોશિયલ મીડિયામાં જે રીતે આમ આદમી પાર્ટીએ જબરુ જોર બતાવ્યું છે અને સ્થાનિક સ્તરે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ પાસેથી હાઈજેક કરી લીધું હોય તેવી સ્થિતિ છે ભાજપે ‘અમે બનાવ્યું ગુજરાત’, ‘ડબલ એન્જીન સરકાર’ અને ‘ભરોસાની બીજેપી સરકાર’ તેવા ભાજપનો પ્રચાર કરતા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને તેમાં પક્ષે વોટ્સએપ પ્રમુખ પણ નિશ્ચિત કર્યા છે.
ગત વિધાનસભામાં ‘વિકાસ ગાંડો થયો છે’ તે મુદ્દાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી અને ભાજપને તેનાથી જબરુ નુકસાન થયું હતું તે પછી હવે પક્ષ દ્વારા અગાઉથી જ સાવચેતી રાખવામાં આવી છે અને ભાજપ વિરોધી કોઇ મુદ્દો કે આવું સ્લોગન વાઇરલ થાય તે જોવા માટે પણ પક્ષ ચિંતા કરી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવીને કામગીરી કરવામાં આવી છે પરંતુ તે મોટાભાગે ઉમેદવાર કક્ષાએ જ છે.