વાવણીથી લઈ વેચાણ સુધીના તમામ તબક્કે ખેડૂતોના હિતને વરેલી ભાજપ સરકારના કાર્યો-યોજનાઓ વર્ણવતા રમેશ ટીલાળા
ગુજરાતનો કિસાન અન્નદાતાની સાથે ઉર્જાદાતા પણ બન્યો, દેશ-દુનિયા બજારોમાં ગુજરાતની ખેતપેદાશોની માંગ
- Advertisement -
ભારતમાં કપાસ અને મગફળી જેવા મહત્વપૂર્ણ પાકોનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે, ગુજરાતના કૃષિ વિકાસ દરની સાથે કિસાનનો સમૃદ્ધિ દર પણ વધ્યો
ગુજરાતનાં ખેડૂતોનાં કલ્યાણ અને ખેતીની સમૃદ્ધિ માટે ડબલ એન્જીનવાળી ભાજપ સરકારે અનેક અભૂતપૂર્વ અને પરિણામલક્ષી નિર્ણયો લીધા છે. ખેડૂતોને આર્થિક સહાયતા, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ દરેક સંભવ સહાયતાઓ પ્રદાન કરવા માટે અનેકવિધ પહેલ કરી છે. આજે આપણા કિસાનોની આવક બમણી બની છે અને તેમને કૃષિપાકના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. દેશ-દુનિયા બજારોમાં ગુજરાતની ખેતપેદાશોની માંગ છે એવું જણાવતા રાજકોટ વિધાનસભા દક્ષિણ બેઠકના ભાજપ ઉમેદવાર તેમજ ખેડૂત પુત્ર રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, ભાજપ સરકાર કિસાનો અને કૃષિ માટેની સરકાર છે. ખેડૂતોને પાણી, વીજળી અને ખાતર સહિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જીનવાળી સરકાર કાર્યરત છે.
કિસાન પરિવહન યોજના અંતર્ગત 1 હજારથી વધુ ખેડૂતોને 5 કરોડ રૂપિયાની મીડિયમ સાઈઝ ગુડ્ઝ કેરેજ વાહન સહાય કરવામાં આવી છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમાં 1 લાખથી વધુ નાના ગોડાઉન માટે રૂ. 30 હજારની સહાય કરવામાં આવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે 1 લાખથી વધુ ખેડૂતોને 48 કરોડનો નિભાવ ખર્ચ સહાય કરવામાં આવી છે. સૂક્ષ્મ સિંચાઈ માટે 1000 ધનમીટરના ભૂગર્ભ ટાંકા માટે 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદને કારણે પાકને થનારા નુકસાનથી ખેડૂતોને રક્ષણ અપાઈ છે. આ યોજનાનો મહત્તમ લાભ ખરીફ પાકોની ખેતી કરનારા ખેડૂતોને મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ જાતનું પ્રીમિયમ ભર્યા વગર સહાયતા આપવામાં આવે છે.
વચેટિયાઓ દ્વારા થતા શોષણમાંથી ખેડૂતોને મુક્ત કરાવવા માટે તેમજ ખેડૂતોને તેમના ખેતઉત્પાદનોના વાજબી ભાવ મળે અને તેઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ભાજપ સરકાર ખરીદી કરે છે. છેલ્લાં પાંચ વર્ષોમાં રાજ્ય સરકારે 25 લાખથી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 19 હજાર કરોડથી વધુના 38 લાખ 37 હજાર મેટ્રિક ટન ખેત ઉત્પાદનોની ખરીદી કરી છે. મગફળી, રાયડો, ચણા, તુવેર, અડદ, કપાસ વગેરે ખેત ઉત્પાદનોનું ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્યના ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે શૂન્ય ટકાના વ્યાજ દરે પાક ધિરાણ આપવામાં આવે છે, આ માટે રૂ. 1000 કરોડનું રિવોલ્વિંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. 15 લાખથી વધુ ખેડૂતોએ ઝીરો ટકા વ્યાજ સહાયનો લાભ મેળવ્યો છે. બિયારણ, ખાતર અને અન્ય આનુષંગિક ખર્ચ માટે કૃષિ ધિરાણની સવલત મળતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો છે, ધરતીપુત્રોના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે.
ખેડૂતોના મહામુલા પાકને ભૂંડ અને જંગલી જાનવરોથી બચાવવા માટે ખેડૂતહિતલક્ષી ભાજપ સરકારે ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો ગુજરાતના લાખો ખેડૂતો લાભ લઈ તેમના મહામૂલા પાકને રક્ષણ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 250 લાખથી વધુ રનીંગ મીટર તારની વાડ બનાવીને ખેડૂતોના ઊભા પાકને બચાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ખેડૂતોને આજે 71 લાખ હેકટર ઉપરાંત જેટલાં વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. ખૂબ ઓછા પાણીથી સારી ગુણવત્તાનો પાક મેળવવા માટે રાજ્યમાં 10.20 લાખથી વધુ ખેડૂતોને ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ જેવી સૂક્ષ્મસિંચાઈ સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે. ખેતરમાં સોલર પેનલ મૂકીને ખેડૂતો વીજળીનું ઉત્પાદન સ્વયં કરીને વધારાની વીજળીથી આવક મેળવી શકે એવી સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે ખેડૂતોને દિવસના સમયે પૂરતી વીજળી, પાણી મળી રહેતા જેથી રાત્રે અંધારામાં પાણી વાળવાની ઝંઝટ અને જીવજંતુઓના ત્રાસમાંથી મુક્તિ મળી છે. રાજ્યના 3 લાખ 50 હજારથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. ભાજપ સરકાર ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે. પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઊર્જાદાતા પણ બની શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો ખેડૂત હિતલક્ષી સરકારે અસરકારક અમલ કરીને રાજ્યના 28.29 લાખથી વધુ ખેડૂતોને 6-6 હજાર રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવતું વીમાનું છત્ર ધરતીપુત્રો માટે આશીર્વાદ સમાન બન્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતે આ દિશામાં છેલ્લા પાંચ વર્ષમાં ઉડીને આંખે વળગે એવું કામ કર્યું છે. 21 લાખ ખેડૂતોની 27 લાખ હેક્ટર જમીન માટે 5500 કરોડની પ્રીમીયમ સબસીડી પાસ કરવામાં આવી છે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતની હંમેશા ચિંતા કરી છે. ખેડૂતહિતલક્ષી ભાજપ સરકારે ખેડૂતોને સિંચાઈ, વીજળી, ખાતર, પોષણક્ષમ ભાવો, અને કૃષિ તાલીમનો બહુપાંખીયો વ્યૂહ અપનાવ્યો છે. પરિણામે આજે ગુજરાત કપાસ, મગફળીના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે. દેશમાં ઉત્પન્ન થતા કુલ એરન્ડા પૈકી 85% એરન્ડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દેશનું 56% જીરું ગુજરાત પૂરું પાડે છે. દેશની કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો 43% હિસ્સો છે. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો 31% હિસ્સો છે. દેશના કુલ પપૈયાના ઉત્પાદનમાં ગુજરાતનો 21% હિસ્સો છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર 10% જેટલો છે જ્યારે પંજાબનો 2.5, પશ્ચિમ બંગાળ 2.7, રાજસ્થાન 3.8, મહારાષ્ટ્ર 4.3, મધ્યપ્રદેશ 7.1 ટકા છે. આમ ગુજરાતના કિસાન – કૃષિની પ્રગતિ – ઉન્નતી અવિરતપણે આગળ વધતી રહે તે માટે આવો આપણે સૌ સાથે મળી 1 ડિસેમ્બરના રોજ કમળના નિશાનવાળું બટન દબાવીએ.. ડબલ એન્જીનવાળી ભાજપ સરકારને ફરી એકવાર જીતાડીએ એવું વિધાનસભા દક્ષિણ બેથકના ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું.