લોકસભા ચૂંટણી જીતવા ભાજપે હવે નવી રણનીતિ બનાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે હારેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 2019માં હારેલી બેઠકો માટે ભાજપ ગયા વર્ષથી યોજનાઓ બનાવી રહ્યું છે. ભાજપ આવી 160 બેઠકો પર સતત નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
બંગાળ, મહારાષ્ટ્ર અને યુપી પર અપાઈ રહ્યું છે ખાસ ધ્યાન
સૂત્રોએ જણાવ્યું કે, આ યાદીમાં દેશના વિવિધ ભાગો જેમ કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની બેઠકોનો સમાવેશ થઈ શકે છે. આ સાથે સૂત્રો મુજબ આ બેઠકો એવી છે જે ભાજપે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી. ગત વખતે ઉત્તરપ્રદેશમાં ભાજપે 62 સીટો જીતી હતી તો બંગાળની તે બેઠકો પર છે જ્યાં તેના ઉમેદવારો ગત વખતે નજીકના માર્જિનથી હારી ગયા હતા.
- Advertisement -
હારેલી 160 બેઠકો પર છે બાજનજર
ગયા વર્ષે પાર્ટીએ તેના નબળા વિસ્તારો તરીકે 160 બેઠકોની ઓળખ કરી હતી અને આ વિસ્તારોમાં જોરદાર પ્રચાર અને જનસંપર્ક કાર્યક્રમો હાથ ધર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, લોકસભાની ચૂંટણી લડનાર કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ આ યાદીમાં સામેલ થઈ શકે છે. પાર્ટી કોઈપણ ભોગે આમાંથી કેટલીક બેઠકો જીતવા માંગે છે.
આ તારીખે જાહેર થઈ શકે છે નામ
પક્ષના સૂત્રોએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાને જણાવ્યું કે, ઉમેદવારોની યાદી તૈયાર છે અને માત્ર કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરીની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમિતિ 29 ફેબ્રુઆરીએ મળી શકે છે, કારણ કે 22 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠક નેતાઓના અન્ય કાર્યક્રમોને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.આ સાથે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન જે 29 ફેબ્રુઆરીએ યોજાવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ સંમેલનમાં ભાગ લેવાના હતા. હાલમાં આ સંમેલન યોજવાની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.