નિકાસબંધી પરત ખેંચવા માગ: કેન્દ્રીય કૃષિમંત્રી મુંડાને કરી લેખિત રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
ડુંગળીના વધતા ભાવને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસબંધી લાદતા ખુદ ભાજપના સંસદસભ્ય, નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. રાજકોટના સંસદસભ્ય મોહન કુંડારિયા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક તેમજ સાંસદ રાજેશ ચુડાસમા સહિત નેતાઓએ કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે. કે કિસાનોની વ્યથાને સમજીને નિકાસબંધી પર પુનર્વિચાર કરવામાં આવે અને નિકાસબંધી પરત ખેંચવા ખેડૂતો વતી અમારી માગ છે.
રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નિકાસબંધી પહેલા ખેડૂતોને ડુંગળીના ખુલ્લી બજારમાં રૂ.400 થી 600 ભાવ મળતા હતા. જે નિકાસબંધી લાગુ થતા હાલ પ્રતિ 20 કિલોગ્રામના રૂ.100 થી 200 થઈ ગયા છે. આના કારણે કિસાનો પર અધિક બોજ આવી રહ્યો છે. સાંસદ ઉપરાંત જિલ્લાના ભાજપના નેતાઓએ પણ ડુંગળી નિકાસબંધી પાછી ખેંચવા માંગણી કરી છે અને સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું નથી.
રોજિંદા શાકભાજી અને હોટલ-રેસ્ટોરાંમાં વપરાતી ડુંગળીનો પાક સૌથી વધુ ભારતમાં થાય છે. વર્ષ 2021-22 માં 317 લાખ ટન સામે ગત વર્ષ 2022-23માં દેશમાં 318 લાખ ટનનો પાક થયો. તેમાં માત્ર ગુજરાતમાં 22.51 લાખ ટન ડુંગળી પેદા થઈ છે અને રાજ્યની લાલ ડુંગળીની દેશવિદેશમાં માગ રહે છે. ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે ઉત્પાદન 20 લાખ ટનને પાર થયું છે. 2021-22માં તો રેકોર્ડબ્રેક 27 લાખટનથી વધુ ઉત્પાદન થયું હતું.
નિકાસની માગ નહિ રહેતા વેપારીઓએ લોડિંગ બંધ કરતા રાજકોટ, ગોંડલ, મહુવા સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ડુંગળીની આવક જ બંધ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઊંચા ભાવ મળતા 3 દિવસ પહેલા ખેડૂતો ટનબંધ ડુંગળી ઠાલવતા હતા. રાજકોટ યાર્ડમાં તો સૌથી વધુ આવક ડુંગળીની થતી. જે એક દિવસમાં 12 હજારથી 13 હજાર ક્વિન્ટલ સુધી પહોંચી જતી હતી, પરંતુ સોમવારથી આવક બંધ છે અને નિકાસબંધી પાછી ખેંચાય તેવી માગ કરવામાં આવી રહી છે.