ભારતમાં હાલમાં જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ અને હવે સૌથી મોટી ચૂંટણી આવી રહી છે, લોકસભા 2024. લોકસભાની ચૂંટણી પહેલા સેમીફાઇનલમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે. હિન્દી હાર્ટલેન્ડ કહી શકાય તેવા ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. એવામાં ભાજપે મુખ્યમંત્રીઓ એવા જ બનાવ્યા છે જે 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપને જીત અપાવવામાં મદદરૂપ થઈ શકે.
ભાજપે ત્રણેય રાજ્યોમાં નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય, મધ્ય પ્રદેશમાં મોહન યાદવ અને રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા છે, ત્રણેય મુખ્યમંત્રી અલગ અલગ જાતિના છે અને એવામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે જાતિઓનું સમીકરણ સેટ કરી દીધું છે. વિષ્ણુદેવ સાય આદિવાસી છે, મોહન યાદવ OBC જ્યારે ભજનલાલ શર્મા બ્રાહ્મણ. ત્રણેય રાજ્યોમાં બે બે ડેપ્યુટી મુખ્યમંત્રી પણ આપવામાં આવ્યા છે. ત્રણેય રાજ્યોમાં જાતિઓના સમીકરણને બેલેન્સ કરીને ચહેરાઓને ફાઇનલ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં મહિલા સુરક્ષા મોટો મુદ્દો છે એવામાં એક મહિલાને ત્યાં ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જાતિની સાથે સાથે આ નેતાઓને સંઘની નજીક હોવાનો ફાયદો મળ્યો છે.
- Advertisement -
રાજસ્થાનમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી કેમ?
ભારતમાં સૌથી વધુ બ્રાહ્મણ રાજસ્થાનમાં જ રહે છે, જેથી રાજસ્થાનમાં બ્રાહ્મણ મુખ્યમંત્રી આપીને ભાજપે આખા દેશમાં સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દેશમાં પાંચ ટકા બ્રાહ્મણ વસ્તી છે, જ્યારે રાજસ્થાનમાં આઠ ટકા બ્રાહ્મણો રહે છે. બ્રાહ્મણોને ભાજપના કોર વોટર માનવામાં આવે છે, એવામાં 2024માં ભાજપ કોર વૉટર્સને રાજી રાખવા માંગે છે. રાજસ્થાનમાં બીજા બે ડેપ્યુટી મુખ્યમંત્રી આપીને જાતિઓને બેલેન્સ કરવામાં આવી છે. દિયા કુમારી રાજપૂત છે અને રાજપરિવરથી આવે છે જ્યારે પ્રેમચંદ બૈરવા દલિત પરિવારના છે.
મધ્ય પ્રદેશમાં OBC કાર્ડ
મધ્ય પ્રદેશમાં સંગઠન સાથે જોડાયેલા નેતા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, મોહન યાદવ ABVPથી રાજકારણ કરી રહ્યા છે. 2013માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવને મુખ્યમંત્રી બનાવીને ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહારના વૉટર્સને સંદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી જ્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના કારણે યાદવ વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા નથી, લાલુ યાદવ અને અખિલેશ યાદવની પાર્ટી મોટા ભાગના યાદવ વોટને લઈ જાય છે. બંને રાજ્યોમાં 10થી 12 ટકા વસ્તી યાદવોની છે. સાથે સાથે એક બ્રાહ્મણ અને એક દલિત નેતાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
છત્તીસગઢમાં આદિવાસી મુખ્યમંત્રી
જો છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ સાય આદિવાસી સમાજથી આવે છે અને તેઓ ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ત્રણ વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની આદિવાસી ગઢમાં મજબૂત પકડ છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મોટા ભાગની બેઠકો કબજે કરી છે. છત્તીસગઢમાં 34 ટકા વસ્તી આદિવાસીઓની જ છે. એવામાં લોકસભા ચૂંટણીના ચાર પાંચ મહિના પહેલા આદિવાસી નેતાને મોટું પદ આપીને ભાજપે આદિવાસી વૉટર્સને ખુશ કરવા પ્રયાસ કર્યો છે. સાથે સાથે દેશભરમાં ભાજપની છવિ એવી બનશે કે પાર્ટી દ્વારા દરેક વર્ગને મોકો આપવામાં આવે છે.