પદ્મવિભુષણ દંતકથા રૂપ કથ્થક નૃત્યકાર બીરજુ મહારાજ વિશેની અનેરી વાતો
– હિમાદ્રી આચાર્ય દવે
તેઓ કહેતા કે, દરેક દિવસ પછી રાત આવે છે એ જ રીતે જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ બાદ ફરી જન્મ…આ જ બ્રહ્માંડનો તાલ- લય છે, ચક્ર છે. પ્રકૃતિ એટલે કે સમાષ્ટિના કોઈપણ તત્વની, ઉત્પતિ અને વિનાશ કૃષ્ણ તત્વમાં થાય છે. કૃષ્ણ એટલે જ સામ(સંગીત) અને સામ એટલે જ કૃષ્ણ. અને જે આ સત્ય સમજી લે છે તેઓ દિવ્યતાની આરે છે’ આ સત્યને સમજી જીવી જાણનારા બીરજુ મહારાજ અંતે કૃષ્ણ (કોઈ નવા સંગીતને?)’ને પામવા અનંતની સફરે નીકળી ગયા…(17 જાન્યુ.2022)
કોઈ વ્યક્તિ જે-તે કલાને સાધીને તેમાં પારંગત બને ત્યારે એ કળા થકી વ્યક્તિની ગરીમાં વધી જતી હોય છે, વ્યક્તિ એ કલાને નામે ઓળખાતી હોય છે. પણ કોઈ વિરલ સાધક જ્યારે કલાને સાધે છે ત્યારે તે કલાભિવ્યક્તિને એટલી ઉચ્ચકક્ષાએ લઈ જાય છે કે જે-તે કળાની અસ્મિતા કે ગરીમાં આવા સાધક થકી અનેકગણી વધી જાય છે. એ અર્થમાં, બીરજુ મહારાજ એટલે કથ્થક નૃત્યકાર એમ કહેવું ઘણું જ અધૂરું ગણાશે. હા, એમ કહી શકાય કે બીરજુ મહારાજ એટલે કથ્થકનું જીવતું જાગતું, સાકાર સ્વરૂપ! બીરજુ મહારાજ થકી કથ્થકને દેશ વિદેશમાં અનેરી ઊંચાઈ મળી એમ કહીએ તો એ અતિશયોક્તિ નથી જ!
- Advertisement -
બીરજુ મહારાજનો જન્મ 1938માં લખનઉના કાલિકા બિન્દાદિન ઘરાનાના કથ્થક કલાકાર જગન્નાથ મિશ્રા (અચ્છન મહારાજ)ને ત્યાં થયો. એમનું નાનપણનું નામ બ્રીજમોહન હતું, જે પાછળથી બીરજુ થઇ ગયું. પિતા તેમજ બન્ને કાકા, શંભુ મહારાજ અને અચ્છું મહારાજ વિખ્યાત કથ્થક નૃત્યકાર હતાં. આમ, બિરજુ મહારાજને કથ્થકનૃત્ય વારસામાં મળ્યું હતું. તેમના પૂર્વજો અલ્હાબાદના હાંડિયા તહસીલના રહેવાસી હતા. વર્ષ 1800માં આ નાના એવા તાલુકામાં કથ્થક કલાકારોના 989 પરિવારો રહેતા હતા. આજે પણ અહીં કથ્થક તળાવ અને સતીચૌરા છે. ગામમાં દુષ્કાળ પડતાં લખનૌના નવાબે તેમના પૂર્વજોને રાજ્ય સુરક્ષા આપી અને આ રીતે બિરજુ મહારાજના પૂર્વજો નવાબ વાજિદઅલીશાહના દરબારમાં કથ્થકની પ્રસ્તુતિ કરતા એટલું જ નહી પણ કથ્થકના રસિક નવાબને કથ્થક પણ શીખવ્યું.
બીરજુ મહારાજ… તેમને મળેલો કથ્થકનો વારસો, વાતાવરણ અને ઉછેર દરમિયાન મળેલી સાહજીક અનૌપચારિક તેમજ ઔપચારિક તાલીમ..આ બધા તત્વો ભવિષ્યમાં પ્રાપ્ત થનારા ‘ઉત્તમ કથ્થક નૃત્યકાર’ના પાયા હતા!
પિતા પાસે નૃત્ય શીખવા આવતી શિષ્યાઓને પિતા કેવી કેવી ભાવભંગીમાં શીખવે છે, થીરકતાં પગ, તાલ, લય… આ તમામ બાબતોનું બાળ બિરજુ બહુ જ રસપૂર્વક નિરીક્ષણ કરતા તેમજ તેને સમજીને ગ્રહણ કરતા. બારણાંની આડશમાં ઉભા ઉભા કથ્થકને ધીરે-ધીરે ચુપકે- ચુપકે પોતાનામાં આત્મસાત કરી રહેલા બાળક પર કોઈની નજર સુદ્ધા જતી નહી. પ્રખર કથ્થક નૃત્યકાર પિતા અચ્છન મહારાજે બ્રિજમોહનની બાલ્યાવસ્થામાં જ તેના હીર પારખી લીધા હતા. અને માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ પોતાના આ યશસ્વી પુત્રને દીક્ષા-શિક્ષા આપવાનું શરૂ કર્યું હતું. બાળક બિરજુને તાલીમ આપી રહેલા પિતાને, નૃત્યના વિવિધ પાસાઓ જેવાં કે ભાવ, તત્કર, ચક્કર, તોડ, ટુકડા પરણ વગેરે બાબતો વિશે બીરજુ પહેલેથી સમજ ધરાવે છે, એ વાતની ખૂબ નવાઈ લાગતી ત્યારે બિરજુ પિતાને એમ કહે કે આ બધું તો હું અઠવાડિયાઓ પહેલા, તમે શિષ્યાઓને શીખવાડતાં હતા ત્યારે જ શીખી ચુક્યો છે આ સાંભળીને પિતા ખૂબ જ ખુશ હતા. પિતાની તાલીમ અને બ્રિજ મોહનની લગન આ બંનેના પરિપાકરૂપે બાળપણમાં જ તેઓ કથ્થકમાં પ્રવીણતા હાંસલ કરવા લાગ્યા હતા. પરંતુ આ જ્ઞાનયાત્રા, કલાયાત્રા કશાય વિઘ્નો વગર આગળ વધે એ કુદરતને જાણે કે મંજૂર ન હતું. રાયપુરના રાજ દરબારમા રાજનર્તક તરીકે સેવા આપી રહેલા બિરજુના પિતા અચ્છન મહારાજ અને તેમનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ જીવન જીવતા હતા પરંતુ, બીરજુને મૃત્યુ’ નામના શબ્દનો અર્થ પણ ખબર નહોતી ત્યારે, એટલે કે માત્ર નવ વર્ષની ઉંમરે બીરજુના પિતાનું અવસાન થયું અને પછી સંઘર્ષના અતિવિકટ દિવસોની શરૂઆત થઈ. તેમ છતાં માતાએ બિરજુની કથ્થકની તાલીમ ચાલુ જ રહે એવો આગ્રહ રાખ્યો.
- Advertisement -
અચ્છન મહારાજના મૃત્યુથી મિશ્રા પરિવાર ભાંગી પડ્યો.પરિવારને ગામ છોડી કાનપુરમાં શિફ્ટ થવું પડ્યું. ઘણા લાંબા સમય સુધી પિતાને ઘરમાં ન જોતાં બિરજુ એમ સમજે કે પિતા લાંબી ટુર પર, પ્રોગ્રામ આપવા ગયા છે! આટલા નાદાન-નિર્દોષ, દસ વર્ષના બાળકને કથ્થક શીખવા જવું હોય તો રિક્ષાના આઠ આના આપવા પડે. પણ આઠ આના રિક્ષામાં ખર્ચી નાખે તો જમવાના પૈસા ન બચે. એટલે બીરજુને હમેશા ચાલીને જવું પડતું. અને ત્યારે રસ્તામાં આવતા સ્મશાનને પાર કરતી વખતે બિરજુને ખૂબ જ ડર લાગતો! તેમ છતાં કથ્થક શીખવા આ આકરો પરિશ્રમ માતાના આગ્રહથી ચાલું રહ્યો(બાળકને મળતા સ્ત્રોત- સગવડતા ઓછા હોવાની ફરિયાદ કરતી આજની માતાઓ ખાસ વાંચે) બીરજુને પતંગ ઉડાડવાનો જબરો શોખ પરંતુ માતા પાસે પતંગ માટે પૈસા જ ન હોય! પતંગવાળા બબ્બનમિયાં બીરજુને કહેતા કે તું તારું નૃત્ય દેખાડ અને હું તને પતંગ મફતમાં આપીશ, આમ, નૃત્ય કરીને બાળ બિરજુ પતંગનો શોખ પૂરો કરતાં!
આ સંઘર્ષ દરમિયાન શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ, આ બન્ને કાકા પાસે પણ બિરજુ મહારાજ ઘણું શીખ્યા.
દરમિયાન એમની સાથે કથ્થક શીખતાં એમનાં ગુરૂબેન બીરજુ મહારાજને દિલ્હી લઈ આવ્યા અને તેની તાલીમના નવા પ્રકરણની શરૂઆત થઇ. તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત, સંગીત ભારતી સંસ્થાનમાં તાલીમ લીધી. અને ખૂબ જ ટૂંકા સમયમાં એવી તો પ્રવિણતા હાંસલ કરી કે, પોતાના પિતાએ જ્યાં તાલીમ લીધી હતી એ સંગીત ભારતી તેમજ ભારતિય કળાકેન્દ્ર સંસ્થાનમાં, તેર વર્ષની ઉમરે બિરજુ મહારાજે, શીખવવાનું, જી હા, શીખવાનું નહી પણ શીખવવાનું એટલે કે કથ્થકનું અધ્યાપન શરુ કર્યું! અને ત્યારબાદ તેમણે કથ્થકના ક્ષેત્રે નવી ઊંચાઈઓ નવા શિખરો સર કરવામાં પાછું વાળીને જોયું નથી.
અડસઠ- સિત્તેરની આસપાસની ઉંમરના ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન લખનૌ ખાતે એક જાહેર પ્રોગ્રામમાં પોતાનુ પરફોર્મન્સ રજુ કરી અને ગ્રીનરૂમમાં આરામ લેવા જાય છે ત્યાં જ કોઈ એમને કહે છે કે સ્ટેજ પર અચ્છન મહારાજનો દીકરો કથ્થક પરફોર્મ કરી રહ્યો છે. આ સાંભળીએ ઉસ્તાદ બિસ્મિલ્લાખાન પોતાના પરમ મિત્ર અચ્છન મહારાજના દીકરાનું પર્ફોમન્સ જોવા પ્રેક્ષકમાં જઇ પ્રથમ હરોળમાં બિરાજે છે. બિરજુ મહારાજનુ પરફોર્મન્સ જોતા જોતાભાવવિભોર થઈ ગયેલા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની આંખમાંથી અવિરત આંસુ વહી રહે છે. મંત્રમુગ્ધ દશામાં તેઓ, વાહ સુભાનઅલ્લા… સુભાન અલ્લાહ એમ પોકારી ઉઠે છે. બાજુમાં બેઠેલા બીરજુના કાકા શંભુ મહારાજને સંબોધીને બિસ્મિલ્લાખાન કહે છે કે મેં તમારુ પર્ફોર્મન્સ જોયું છે. અચ્છન મહારાજ અને લચ્છુ મહારાજનું, તમારા ત્રણેયનુ પરફોર્મન્સ જોયુ છે જે મને હંમેશા અતિ ગમ્યું છે પરંતુ તમે ત્રણેયમાંથી કોઈ મારી આંખમાંથી આંસુ લાવી શક્યા નથી પણ બિરજુ તો, અદ્ભુત અદ્ભુત…! એ પછીથી ઉસ્તાદ બિસ્મિલ્લાખાન અને બીરજુ મહારાજના સંબંધ, એકબીજા પ્રત્યેનો આદર, જિંદગીભર રહ્યા.
કથ્થક ઉપરાંત બિરજુ મહારાજ તબલા, પખાવજ, ઢોલ, નાલ અને વાયોલિન, સિતાર, સ્વરમંડલ જેવા તંતુવાદ્યો ખૂબ જ સારી રીતે વગાડી લેતાં
બિરજુ મહારાજે અનેક લોકપ્રિય નૃત્યાવલીઓ કરી. કૃષ્ણના પાત્રમાં બીરજુ મહારાજ વિશેષ ખીલી ઉઠતાં. ગોવર્ધનલીલા, માખણચોરી, માલતીમાધવ, કુમારસંભવમ અને ફાગબહાર… તેમની ઉચ્ચકોટિની કલાસૂઝનાં દ્રષ્ટાંત છે. કથ્થક ઉપરાંત બિરજુ મહારાજ તબલા, પખાવજ, ઢોલ, નાલ અને વાયોલિન, સિતાર, સ્વરમંડલ જેવા તંતુવાદ્યો ખૂબ જ સારી રીતે વગાડી લેતા. આશ્ચર્યની વાત એ છે કે તેમણે કયારેય પણ આ બધા વાદ્ય વગાડવા કે ગાવાની વિધિવત તાલીમ નહોતી લીધી. ઠુમરી, દાદરા, ભજન અને ગઝલ ગાવામાં પણ બિરજુ મહારાજ પારંગત હતા. ગાયન અને વાદનની ઊંડી સૂઝને કારણે તેમની નૃત્યકૃતિઓ સંગીત ના બધા જ તત્વોના સંતુલનવાળી ઉત્કૃષ્ટ કલાકૃતિ બની રહેતી.
અનેક ખિતાબો પારિતોષિકો અને પુરસ્કારોથી સન્માનિત બિરજુ મહારાજને 1986માં પદ્મવિભૂષણ, 2002માં લતા મંગેશકર પુરસ્કાર, મધ્યપ્રદેશ સરકારનું કાલિદાસ સન્માન, તેમજ કાશી વિશ્વવિદ્યાલય તેમજ ખેરાગઢ વિશ્વવિદ્યાલય તરફથી ડોક્ટરેટની પદવી મળી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પશ્ચિમ સંગીત અને પશ્ચિમી નૃત્યના મારા અને ભરમાર વચ્ચે શુદ્ધ શાસ્ત્રીય નૃત્યને પ્રેક્ષકો સુધી લઈ જવાનું બહુ મોટું કામ બિરજુ મહારાજે કર્યું છે.
શાસ્ત્રીયનૃત્ય ઉચ્ચકક્ષાની કલાસૂઝ ધરાવતા રસિકજન સુધી જ સીમિત ન રહે અને સામાન્ય પ્રેક્ષક પણ એના સૌંદર્યને માણી શકે એ કામ બિરજુ મહારાજે કર્યુ છે. જો કે, હિન્દી ફિલ્મઇન્ડસ્ટ્રી વિશે વાત કરતાં તેમણે એક જગ્યાએ કહ્યું છે કે કાકા શંભુ મહારાજની જેમ તેઓ પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરિયોગ્રાફર તરીકેની કારકિર્દી અપનાવી શક્યા હોતે, સતત કારમાં સંઘર્ષના વિકલ્પમાં સુખી અને સાધનસંપન્ન જીવનશૈલી એ સારો વિકલ્પ જ હતો પરંતુ તેઓએ તેમના વંશપરંપરાગત નૃત્યને, પૈતૃક કલા વિરાસતની ગરિમા જાળવી રાખવા માટે વ્યક્તિગત સુખની વિરોધનો નિર્ણય લીધો. કલાના વ્યાપાર કરતાં કલાની સાધના કરનાર સાધક બનીને કથ્થકદેવીને સમર્પિત રહી તેમાં નવા શિખરો સર કરવા સતત સતત ઇચ્છિત રહયાં. અલબત્ત, કારકિર્દી તરીકે નહીં પણ સમયે- સમયે બિરજુ મહારાજ હિન્દી ફિલ્મઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છે. ફિલ્મ શતરંજ કે ખિલાડી, ઉમરાવજાન (જુનુ), વિશ્વરૂપમ તેમજ માધુરી દીક્ષિત માટે સંજય લીલા ભણસાલીની દેવદાસ અને દેઢઈશ્કિયાંમાં તેમજ બાજીરાવ મસ્તાનીના ગીત, ’મોહે રંગ દો લાલ…’ માટે નૃત્ય નિર્દેશન કર્યું છે. અને હિંદી ઈન્ડસ્ટ્રીના અનેક એવોર્ડ્સ તેમજ સન્માનના હકદાર બન્યા છે. પોતાને નૃત્યશૈલી વિશે વાત કરતા બિરજુ મહારાજ કહેતા કે અતિ કડક શિસ્તપ્રિય કાકા શંભુમહારાજના નૃત્યમાં ભરપૂર જોમ રહેતું તો કાકા લચ્છુ મહારાજના નૃત્યમાં નજાકત એ સ્થાયીભાવ રહેતો. જ્યારે પિતા અચ્છન મહારાજના નૃત્યમાં જોમ અને નજાકત આ બંને તત્વોનું સમતોલ સંયોજન રહેતું જ્યારે મારી નૃત્યશૈલી જોમ, નજાકત ઉપરાંત ભાવ આ ત્રણેયનું સંતુલિત સંયોજન એ મારી વિશિષ્ટ શૈલી છે.
દંતકથા સમાન બિરજુ મહારાજ પોતાની જાતને ક્યારેય ગુરુ ગણાવતાં નહિ. તેઓ માન-સન્માન, એવોર્ડ,ખિતાબની બાબતે ઉદાસીન રહેતા. તેમના મતે તેમને ચાહનારા પ્રેક્ષક અને તેમની કદરદાની આમ બે બાબત જ સર્વોચ્ચ એવોર્ડ હતા. તેઓ કહેતા કે કોઈ મને એમ કહે કે, મહારાજ તમે તો અમારું હૃદય જીતી લીધું તમે તમારા નૃત્ય દ્વારા શબ્દોનો સાચો અર્થ આપ્યો અને અમને આનંદની અનેરી દુનિયા માં લઇ ગયા..કોઈ મને આવું કહે ત્યારે હું પરમ ધન્યતા અનુભવું છું. એનું મૂલ્ય વિશ્વના કોઈપણ સમ્માન કરતા ઊંચું છે. પોતાના નૃત્ય વિશે અતિ ભાવુક થઈને તેઓ કહેતા કે હું તો અતિ પામર જીવ છું પણ વિવિધ દેવી-દેવતાઓ મારા નૃત્યના માધ્યમથી મારા શરીરમાં પ્રવેશીને પ્રેક્ષકોને આનંદ અને પ્રસન્નતાની દિવ્ય અનુભૂતિ કરાવી તેઓની નજર સમક્ષ એક રમણીય ચિત્ર ઊભું કરે છે. લય અને ભાવ આ બંને મારા શરીર, મારી કલાના માધ્યમથી લોકોનું મનોરંજન કરવા આવે છે એટલે જ લય અને ભાવ જે ઇચ્છે છે, હું તો માત્ર એનું અનુસરણ જ કરુ છું!
એમની કલાને સંપૂર્ણપણે સમર્પિત બિરજુ મહારાજે નૃત્ય વિશે કહે છે કે કથ્થક એ ફક્ત નૃત્યકલા નથી પણ સંપૂર્ણ એકાગ્રતા અને સમર્પણ સાથેની સમાધિ છે. પોતે ભજવતા પાત્ર માટે તેઓ કહે છે કે, જ્યારે હું ટટ્ટાર ઉભો રહી મારી ભ્રમર અને આંગળી ઊંચી કરી ઉપર જોવું ત્યારે મને લાગે છે કે ભગવાન સાક્ષાત મારામાં પ્રવેશ્યા છે અને હું મારી આસપાસ એક આખું બ્રહ્માંડ ઉભો કરી રહ્યોં છું જેમાં સમુદ્રની ઊંડાઈ અને મોજાના તરંગો છે. મારી અભિવ્યકતિ એ મારુ પરફોર્મન્સ નથી મારી સાધના છે મારી અર્ધખૂલી આંખો સાથે ભ્રમર અને હાથ તેમજ પગની ગતિવિધિ આ તમામની સંવાદિતા એ સંતુલન સાથેના બ્રહ્માંડીય નિયંત્રણનું પ્રતિક છે સમુદ્ર તેમ આકાશના વિસ્તરણની અનુભૂતિ સર્જવા ભાવભંગિમાનું સંતુલન અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. સાથોસાથ નૃત્યના દેવ નટરાજ તેમજ કૃષ્ણ સાથેનું સામિપ્ય તેમજ સંપૂર્ણ શરણાગતિ એ મારા નૃત્યનું મૂળભૂત તત્વ છે મહામંત્ર અને મહારાસ સાથે પોતાના નૃત્યને સરખાવતાં તેઓ કહેતાં કે જેમ મહામંત્ર અને કૃષ્ણના મહારાસને નિહાળનાર મંત્રમુગ્ધ થઈને તેનામય બની જાય એમ જ મારા નૃત્યને માણનાર ભાવક આસપાસના વિશ્વથી વિસ્મૃત થઈ જાય છે કૃષ્ણમય બની જાય છે. તેઓની ભાવભંગિમા તેમજ અભિવ્યક્તિ વિશે વાત કરતા બિરજુ મહારાજ કહેતા કે કૃષ્ણને આપણે જોયા નથી પરંતુ ચિત્રકાર તેના રંગથી, કવિ તેના શબ્દોથી અને નૃત્યકાર તેની ભાવભંગિમા થકી કૃષ્ણના આકારને નિષ્પન્ન કરે છે હું મારી નૃત્યાવલીમાં, મારા દ્વારા સર્જેલા દરેક પાત્રને ભજવતી વખતે તેને મારી અંદર જીવું છું. ચાહે તે રાધા હોય કે કૃષ્ણ હોય કે મીરા હોય કે નવાબ… કોઈપણ પાત્ર હોય… તે સમયે હું મને ભૂલી જઈને એ પાત્રનો સાક્ષાત્કાર કરુ છું , મારા નૃત્ય જીવંતતાથી ભરેલા બની રહે એવું સતત ધ્યાન રાખું છું. તેઓ કહેતાં કે દરેક વાત શબ્દોમાં જ કહેવાય એ જરૂરી નથી. આંખો અને બોડી લેંગ્વેજ દ્વારા ઘણું બધું કહી શકાય. આંખો દ્વારા તમે ક્રોધ કે પ્રેમ, દયા કરુણા દ્વેષ વ્યક્ત કરી શકો એ જ રીતે મારા નૃત્યને લય અને ભાવથી સમૃદ્ધ બનાવુ છું. બાલ્યાવસ્થામાં લખનૌ છોડ્યા બાદ તેઓ જીવનના અનેક દાયકા, મૃત્યુપર્યંત દિલ્હીમાં રહ્યા. સેવાનિવૃત્ત થયા પછી, 1998માં પંડિત બિરજુ મહારાજે વધુને વધુ લોકો કથ્થક શીખી શકે તે હેતુથી કલાશ્રમ નામના કથ્થક કેન્દ્રની સ્થાપના કરી. જ્યાં તેમણે અનેક નૃત્યકાર તૈયાર કર્યા.
D-II/33, શાહજહાં રોડ, નવી દિલ્હી, એમને ઓળખતા હોય એવાં, તેમને વારંવાર મળનારા લોકો કહે છે કે તેમના આ નિવાસસ્થાને શીખનારા અને સમજનારા અને તેમની પાસેથી માર્ગદર્શન લેનારાઓનો ધસારો રહેતો. તેમનું નિવાસસ્થાન જાણે કે કલાનું મંદિર હતું. જેમ જેમ તેમના ઘર નજીક જઈએ કે તરત જ ઘુંઘરુનો મધુરવ સંભળાય, વિશેષ ઉર્જાનો અનુભવ, વાતાવરણમાં મધુરતા અને આનંદની અનુભૂતિ! ઘણીવાર ઘરના ડ્રોઈંગરૂમમાં પ્રવેશતા પંડિતજી કેટલાક શિષ્યો સાથે બેઠેલા જોવા મળતા, નૃત્યની ઝીણવટભરી ચર્ચા થતી હોય. રૂમની દીવાલો પર દેવી-દેવતાઓના ચિત્રો લટકેલા જોવા મળે અને સાથોસાથ તેમની માતાની તસવીર પણ રહેતી. પંડિતજી કહેતા કે તેમના પિતાનું બહુ નાની વયે અવસાન થયું તે પછી માતાએ જ એમનાં માટે બધું કર્યું, મારી માતા મારા માટે સાક્ષાત ઈશ્વર છે! પંડિતજીના ઘરે જનાર દરેકનું ઉષ્માભેર સ્વાગત હોય જ. એ આવનારને હમેશા કહે કે પહેલા આપણે મીઠાઈ ખાઈશું, પછી વાત કરીશું. લખનવી મીઠાઈઓ અને ફરસાણનો તેમને ખૂબ જ શોખ હતો
દિલ્હી વિશે કહેતા કે આ તો ગજબનું શહેર છે હું દિલ્હી ક્યારેય છોડી ન શકું. પણ લખનઉની વાત નીકળતા જ તેઓ ભાવુક થઈ જતાં. તેઓ અમીનાબાદના મેહરોત્રા પાન વાળાને તેમજ ત્યાંની રબડીને યાદ કરતા. સાહિત્ય અને સંગીતનો ભવ્ય વારસો ધરાવતાં આપણા દેશમાં અનેકોનેક કલાકારો થઈ ગયાં. જેમના કેટલાંકે વિશ્વસ્તરે ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતને ઓળખ અપાવી, એમનાં એક બીરજુ મહારાજની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન… અસ્તુ…