ખાસ-ખબર સંવાદદાતા
પોકેટ કોપ તથા નેત્રમ સીસીટીવીનો ઉપયોગ કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબી તથા પુર્વ કચ્છ જીલ્લામાંથી ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સીસના આધારે પોલીસને બાતમી મળી હતી કે, ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક શખ્સ પંચાસર ચોકડી પાસે છે જે બાતમીને આધારે પોલીસ ટીમ પંચાસર ચોકડી પાસે વોચમાં હતી તે દરમિયાન આ શખ્સ ત્યાંથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા તે બાઈક મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આરોપી અબ્બાસ ઓસમાણભાઇ કંકલ (રહે. ભચાઉ, ભવાનીપુર, મેલડી માતાના મંદીર સામે, જી. કચ્છ) ની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન વધુ બે મોટરસાયકલ ચોરી કર્યા હોવાની આરોપીએ કેફીયત આપતા પોલીસે ચોરીમાં ગયેલ ત્રણ મોટરસાયકલ રીકવર કર્યા છે.
મોરબી, કચ્છમાંથી બાઈકની ચોરી કરનાર ઈસમ ત્રણ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો



