વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, ડો. દર્શિતાબેન શાહ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર યોજાયેલા કાર્યક્રમમાં રાજકપૂરની ફિલ્મી સફરની સંગીતમય ઝાંખીને મન મૂકીને માણતા શહેરીજનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બી ટ્રી વિઝન દ્વારા સંગીતફિલ્મી દુનિયાના ગ્રેટ શોમેન રાજકપુરની 100 વર્ષ જન્મદિવસની ઉજવણી નિમિત્તે હેમુ ગઢવી હોલ ખાતે ‘ધ શો મસ્ટ ગો ઓન’ કાર્યક્રમ યોજાયો હતો. ભારતની ફિલ્મી ઈતિહાસમાં ગ્રેટ શોમેન તરીકે ઓળખાતા રાજકપુરનું નામ સૌથી પહેલી હરોળના નામ કલાકારોમાં આવે છે. રાજકપુરએ તેમના ફિલ્મી કારકિર્દીમાં અઢળક ફિલ્મો આપી હતી. તેમાંથી કેટલીક ફિલ્મોમાં તેમણે ડાયરેકશનમાં પણ હાથ અજમાવ્યો હતો અને તેઓ સફળ પણ રહ્યા હતા. રાજકપુરને 1971માં પદ્મવિભૂષણ અને વર્ષ 1988માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.
આમ રાજકપુરની ફિલ્મી સફરને ત્રણ-ચાર કલાકમાં વર્ણવી શક્ય નથી ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી રાજકપુરની 100માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય અને કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના સહયોગથી વિજયભાઈ કારીયા અને અભિષેક કારીયાની બીગ ટ્રી વિઝન દ્વારા ગાગરમાં સાગર સમાવવાના સુંદર પ્રયાસરૂપે રાજકપુરની ફિલ્મી ઝરમરની ઝાંખીને આબેહૂબ રજૂ કરતાં શહેરના હેમુ ગઢવી હોલ ખાતે ‘ધ શો મસ્ટ ગો ઓન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકપુરની ફિલ્મોના કર્ણપ્રિય સંગીત અને સુમધુર ગીતો, સ્ટેજ કલાકારોનું અફલાતૂન લાઈવ પર્ફોમન્સ, સુંદર કોરિયોગ્રાફી થકી આર.કે. યુગને પુન: સજીવન થતા નિહાળી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા અને સતત ચાર કલાક સુધી પ્રેક્ષકોને જકડી રાખનાર આ કાર્યક્રમમાં એક પછી એક પર્ફોમન્સ બાદ ‘વન્સ મોર’ના નારા લગાવી કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો.
તેમાંય રાજકપુરના ‘આવારા હુ’, ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’, ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘જૂઠ બોલે કૌવા કાટે’ જેવા કર્ણપ્રિય ગીત-સંગીતની સાથે અદ્ભુત કોરિયોગ્રાફી, કલાકારોના સુપર્બ લાઈવ પર્ફોમન્સને શહેરની કલાપ્રિય જનતાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ તકે કર્ણાટકના પૂર્વરાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ડો. હેમાંગ વસાવડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વઉપકુલપતિ વિજયભાઈ દેસાણી, પેજ-3 કલેકશનના પ્રિતેશભાઈ પુજારા, કોમલ હેન્ડી ક્રાફ્ટવાળા શિલ્પાબેન પુજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ધ શો મસ્ટ ગો ઓનની ટીમના સંજયભાઈ ગોહેલ, કેયુર અંજારીયા, કિશોરભાઈ ડોડીયા, ગૌત દવે, શૈલેષભાઈ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી તેમજ કલાકારોને પ્રેક્ટિસ માટે બોર્ડીંગની વ્યવસ્થા ડો. હેમાંગ વસાવડા તેમજ પુજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડએ રીહર્સલ માટે જહેમત ઉઠાવી હતી.



