હરિયાણાના રોહતકની એકતા કોલોનીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 બાળકો સહિત 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હરિયાણાના રોહતકની એકતા કોલોનીમાં વહેલી સવારે હડકંપ મચી ગયો હતો. એકતા કોલોનીમાં એક મકાનમાં સિલિન્ડર ફાટતાં પતિ-પત્ની અને તેમના 2 બાળકો સહિત સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શિવાજી કોલોની પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શમશેર સિંહના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.
- Advertisement -
બ્લાસ્ટથી ઘરની છત પણ પડી, સાત લોકો ઈજાગ્રસ્ત
રોહતક શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંની એકતા કોલોનીમાં બુધવારે સવારે લગભગ 7 વાગ્યે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટથી પરિવારના ચાર સભ્યો દાઝી ગયા એટલું જ નહીં, પરંતુ ઘરની છત ધરાશાયી થતાં ત્રણ ભાડૂતો પણ ઈજાગ્રસ્ત થયા. તમામને પીજીઆઈના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં એક વર્ષનું બાળક પણ સામેલ છે.
સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ
મળતી માહિતી અનુસાર, એકતા કોલોનીમાં વિશાલભાઈ તેમના પરિવાર સાથે રહે છે. આજે વહેલી સવારે તેમના પત્ની શિલ્પાબેન રસોડામાં ગયા હતા અને ગેસ સિલિન્ડર ચાલુ કરતા અચાનક સિલિન્ડરમાં આગ લાગી હતી. જોત જોતામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં વિશાલભાઈ (34), તેમના પત્ની શિલ્પાબેન (30), પુત્ર રેહાન (8) અને રીવાન (1) ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઉપરાંત મકાનમાં બ્લાસ્ટ થતા મકાનની છત ધરાશાયી થતાં ભાડુઆતો 16 વર્ષીય પ્રીતિ, 20 વર્ષીય ઉપાસના અને 18 વર્ષીય પાર્થિવ ઈજાગ્રસ્ત થયા છે.
પરિવારના 4 સભ્યોની હાલત નાજુક
બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પીજીઆઈના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં પરિવારના ચાર સભ્યોની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટથી આસપાસના મકાનોને પણ નુકસાન થયું છે. પાડોશમાં એક કાર પણ ઉભી હતી. કારને બ્લાસ્ટના કારણે નુકસાન થયું છે. આસપાસના ઘણા લોકોના ઘરોને નુકસાન થયું છે.