NEETમાં થયેલી ગેરરીતિ અને પેપરલીક સહિતની બાબતોની ફોરેન્સિક તપાસ કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
- Advertisement -
ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે. જો કે આ વખતે નીટની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઈ છે. કેન્દ્ર સરકાર પેપરલીકનો ઈન્કાર કરી રહી છે. આ મુદ્દે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમજ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ મુદ્દો સંસદમાં ઉઠાવતા તેમના માઈક જ બંધ કરી દેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે વર્તમાન કેન્દ્ર સરકાર યુવાઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી. તેઓ માત્ર ને માત્ર આ નીટ કૌભાંડના મોટા માથાઓને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. નીટમાં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહીં પણ આ પરીક્ષામાં મોટાપાયે ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે. પેપરલીક થયું છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્ર સરકાર એનટીએના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે. આમ હવે નીટમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સહિતની બાબતોની ફોરેન્સિક તપાસ કરવા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ માંગ કરી છે.
નીટ આપનાર 24 લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે. નીટમાં માર્કસ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્ર્નાર્થ ઉભા થાય છે. પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ ક્લાસની સાંઠગાંઠ જેમાં પૈસા દો, પેપર લોનો ખેલ ચાલી રહ્યો છે. શું નીટનું પેપર લીક થયું હતું? શું તેની તપાસ થઈ? જો પેપરલીકની વાત સાચી ન હોય તો પછી બિહાર-પટણામાં એફઆઈઆર દાખલ થઈ, 19 જણાની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે અમોને નીટ પ્રશ્ર્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું તો પછી આ સમગ્ર બાબતે એન.ટી.એ. અને કેન્દ્ર સરકાર ગંભીર કેમ નથી? શા માટે છુપાવી રહી છે? નીટ માટે રજિસ્ટ્રેશન 9-2-2024થી 9-3-2024 જે પાછળથી ખાસ કિસ્સામાં 16-3-2024 રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી? નીટ પરિણામ 10 દિવસ પહેલા આપવા પાછળ એનટીએ સત્તાધીશો કેમ જવાબ આપતાં નથી? લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને નીટના પરિણામની ગેરરીતિ ગોટાળા છુપાવવાની યોજના કોણ ઘડી? પરીક્ષા પે ચર્ચા કરતાં પ્રધાનમંત્રી 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી નીટ માટે ક્યારે ચર્ચા કરશે? એન.ટી.એ.એ સુપ્રીમ કોર્ટના નોર્મલાઈઝનની આપેલી પ્રથમ વખતની જવાબની થિયરી કોના ફાયદા માટે અને કોના બચાવ માટે હતી? સમગ્ર નીટમાં થયેલ ગેરરીતિ ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી અમારી માગણી છે.
પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવાના બદલે એક રાઉન્ડ 6 દિવસ જેટલા લાંબા ચાલતા ટાઈમટેબલ મુજબ પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકી અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્રની શરૂઆત 24 જૂનથી કરવાની હતી એ સમયે હજી પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ નથી થઈ શકી. આ સિવાય વેરિફીકેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમય બગડી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રાઈવેટ યુનિવર્સિટીઓના શૈક્ષણિક સત્ર શરૂ થવા પર છે ત્યાં સરકારી યુનિ.માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકતાં પ્રાઈવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું તે દેખીતુ છે તેવું અંતમાં નરેન્દ્ર સોલંકીએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું.