કામગીરીનું ભારણ ઘટાડવા અને સરળ વહિવટ માટે વિભાજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 17 નવેમ્બર 2025ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (ઉઊઘ) કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ર્ય કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઉભી કરી છે. આ નવી કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-1) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-2, 3 અને 4 ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.
આ વિભાજન બાદ શાળાઓની સંખ્યામાં પણ મોટો ફેરફાર થશે. દાખલા તરીકે અમદાવાદ શહેરમાં કુલ 1892 શાળાઓમાંથી હવે પૂર્વ વિસ્તારમાં 1242 શાળાઓ અને પશ્ર્ચિમ વિસ્તારમાં 650 શાળાઓ રહેશે. સુરત જિલ્લામાં કુલ 1779 શાળાઓમાંથી શહેર વિસ્તારમાં 1401 અને ગ્રામ્ય વિસ્તારમાં 378 શાળાઓ રહેશે. એ જ રીતે કચ્છમાં કુલ 529 શાળાઓમાંથી અંજાર (પૂર્વ) હસ્તક 258 અને ભુજ (પશ્ર્ચિમ) હસ્તક 329 શાળાઓ આવશે. મહેકમની વાત કરીએ તો અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર માટે કુલ 47 જગ્યાઓ (વર્ગ-1 થી વર્ગ-4) ફાળવવામાં આવી છે, જ્યારે પશ્ર્ચિમ વિસ્તાર માટે 23 જગ્યાઓ રહેશે. વડોદરા ગ્રામ્ય માટે 13 અને શહેરી વિસ્તાર માટે 32 જગ્યાઓ રહેશે. આ જ પ્રકારે અન્ય જિલ્લાઓમાં પણ સ્ટાફનું વિભાજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ગ્રામ્ય ઉઊઘમાં 590 સ્કૂલ, શહેર ઉઊઘ કચેરીમાં 961 સ્કૂલનો સમાવેશ કરાયો
- Advertisement -
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનું વિભાજન કરી શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 1551 સ્કૂલમાંથી ગ્રામ્ય ઉઊઘ કચેરીમાં 590 સ્કૂલ અને શહેર ઉઊઘ કચેરીમાં 961 સ્કૂલ રાખવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કુલ 1018 સ્કૂલમાંથી વડોદરા ગ્રામ્ય ઉઊઘ કચેરીમાં 298 સ્કૂલ અને વડોદરા શહેર ઉઊઘ કચેરીમાં 720 સ્કૂલને રાખવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્ય ઉઊઘ કચેરી માટે કારેલીબાગમાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વૈકલ્પિક બેઠક વ્યવસ્થાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.
ક્યાં કચેરીઓ શરૂ થશે?
અંજાર (કચ્છ): શેઠ ડી.વી. સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સવાસરા નાકા બહાર, અંજાર.
અમદાવાદ શહેર (પૂર્વ): બ્લોક નં. બી, બહુમાળી ભવન, હિમાલયા મોલની સામે, વસ્ત્રાપુર.
વડોદરા (ગ્રામ્ય): જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રીજો માળ, કારેલીબાગ.
ગાંધીનગર (ગ્રામ્ય): શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર, સેક્ટર-7.
રાજકોટ (ગ્રામ્ય): જૂના વઢવાણનો ઉતારો, કસ્તુરબા માર્ગ, જિલ્લા બેન્કની સામે.
સુરત (ગ્રામ્ય): બ્લોક-એ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઇન્સ.



