મંત્રાલયે સેન્ટ્રલ મોટર વાહન નિયમ હેઠળ આ ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કર્યો
સૌથી વધુ અસર હેવી કમર્શિયલ વાહનો પર પડશે
- Advertisement -
20 વર્ષથી જૂના વાહનની ફિટનેસ ટેસ્ટ ફી માટે રૂ.2500 ચૂકવવા પડતા જે ફી હવે રૂ.25000 કરી દેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
કેન્દ્ર સરકારે દેશભરના રસ્તાઓ પરથી જૂના અને સુરક્ષિત વાહનોને હટાવવા માટે મોટો નિર્ણય કર્યો છે. સરકારે વાહનોની ફિટનેસ ટેસ્ટ ફીમાં 10 ગણો વધારો કર્યો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં ધરખમ વધારો કર્યો છે, જે પહેલાના દર કરતાં 10 ગણો વધુ હોઈ શકે છે.
મંત્રાલયે સેન્ટ્રલ મોટર વાહન નિયમો (પાંચમો સંશોધન) હેઠળ આ ફેરફારો તાત્કાલિક અસરથી લાગુ કરી દીધા છે. નવી ફીસની ગણતરી વાહનની ઉંમર અને કેટેગરી પ્રમાણે નક્કી કરવામાં આવશે. સૌથી મોટો ફેરફાર એ છે કે, હવે વધુ ફીસ 15 વર્ષ જૂના વાહનો પર નહીં, પરંતુ 10 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વાહનો પર લાગુ થશે. સરકારે વાહનની ઉંમરના હિસાબે ત્રણ નવી કેટેગરી બનાવી છે, જેમાં 10થી 15 વર્ષ, 15થી 20 વર્ષ અને 20 વર્ષથી વધુનો સમાવેશ થાય છે. જેમ જેમ વાહન જૂનું થતું જશે તેમ ફિટનેસ ટેસ્ટની ફીસ વધતી જશે. અગાઉ 15 વર્ષથી વધુ જૂના વાહનો પર એક જ ફી લાગુ પડતી હતી, જોકે હવે જુદી જુદી કેટેગરી મુજબ ફી નક્કી કરવામાં આવી છે. આ નિયમો ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ક્વાડ્રિસાઇકલ, લાઇટ મોટર વ્હીકલ (કખટ), મીડિયમ અને હેવી કમર્શિયલ વાહન સહિત તમામ પ્રકારના વાહનોને લાગુ પડશે. સૌથી વધુ અસર હેવી કમર્શિયલ વાહનો પર પડશે.
અગાઉ 20 વર્ષથી વધુ જૂના ટ્રક અથવા બસની ફિટનેસ ટેસ્ટ ફી માટે 2500 રૂપિયા ચૂકવવા પડતા હતા, જોકે હવે આ રકમ 25000 રૂપિયા કરી દેવાઈ છે. મીડિયમ કમર્શિયલ વાહન માટે અગાઉ 1800 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે તેના બદેલ 20,000 રૂપિયા આપવા પડશે. લાઇટ મોટર વાહન માટે 15000 રૂપિયા, ત્રણ પૈડાંવાળા વાહન માટે 7000 રૂપિયા અને ટુ-વ્હીલર માટે 600 રૂપિયાના બદલે 2000 રૂપિયા ચૂકવવા પડશે. એટલું જ નહીં, 15 વર્ષથી ઓછા જૂના વાહનોની ફીમાં પણ
વધારો થયો છે.
નવી ફી મુજબ, હવે મોટરસાઇકલ માટે 400 રૂપિયા, લાઇટ મોટન વાહન માટે 600 રૂપિયા અને હેવી કોમર્શિયલ વાહનો માટે 1000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.



