વકફ બિલને જેડીયુએ સમર્થન આપતા પાર્ટીમાં બબાલ
વકફ સુધારા બિલને રાજ્યસભાએ પણ 14 કલાકની લાંબી ચર્ચા બાદ મંજૂરી આપી દીધી છે. વિરોધ પક્ષનાં વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે વકફ બિલને સંસદનાં બને ગૃહમાંથી બહુમતી સાથે પસાર કર્યું હતું. વકફ બિલને મંજૂરીમાં NDAના સાથી પક્ષોનો પણ મહત્વનો ફાળો છે પરંતુ NDAના એક સાથી પક્ષને વકફ બિલની મંજૂરીએ એક ઝટકો મળ્યો છે અને જેડીયુમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે.
- Advertisement -
નીતિશ કુમારની પાર્ટીને મોટો ઝટકો
વિધાનસભા ચૂંટણી પહેલા જ સીએમ નીતિશ કુમારની પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વકફ બિલને JDUનું સમર્થન હોવાથી પાર્ટીના મુસ્લિમ નેતાઓ નારાજ થયા છે. એક પછી એક, અત્યાર સુધીમાં ચાર નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમાં લઘુમતી સેલના પ્રદેશ સચિવ મો. શાહનવાઝ મલિક, પ્રદેશ મહામંત્રી મો. તબરેઝ સિદ્દીકી અલીગઢ, ભોજપુરથી પાર્ટીના સભ્ય મો. દિલશાન રાઈન અને JDUના પૂર્વ ચંપારણ જિલ્લા મેડિકલ સેલના પ્રવક્તા કાસિમ અન્સારીએ રાજીનામું આપ્યું છે.
લાખો મુસ્લિમોનો વિશ્વાસ તૂટયો
- Advertisement -
લઘુમતી સેલના રાજ્ય સચિવ શાહનવાઝ મલિકે નીતિશ કુમારને સંબોધિત રાજીનામા પત્રમાં લખ્યું છે કે અમારા જેવા લાખો મુસ્લિમોને અતૂટ વિશ્વાસ હતો કે તમે ધર્મનિરપેક્ષ વિચારધારાના ધ્વજવાહક છો. પણ હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે. વક્ફ સુધારા અધિનિયમ 2024 પર JDU ના વલણથી અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા લલ્લન સિંહના વલણથી અમને ખૂબ જ દુઃખ થયું છે.
JDUએ કહ્યું પાર્ટીના પદાધિકારી નથી
જો કે પાર્ટીએ આ મામલે નિવેદન આપ્યું છે. JDU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે દાવો કર્યો હતો કે પૂર્વ ચંપારણના રહેવાસી મોહમ્મદ કાસિમ અંસારી કે જમુઈના રહેવાસી નવાઝ મલિક પાર્ટીના પદાધિકારી નથી. પૂર્વ ચંપારણમાં JDUના મેડિકલ સેલના પ્રમુખ હોવાનો દાવો કરતા મોહમ્મદ કાસિમ અન્સારીએ ગુરુવારે વક્ફ સુધારા બિલને ટેકો આપવાના પક્ષના વલણની ટીકા કરી હતી. તેમણે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું પણ આપી દીધું હતું.