ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસની નેતા હર્ષદ રીબડિયા આજે ભાજપમાં જોડાયા છે. તેમણે મંગળવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આજે તેઓ સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા અને કેસરિયો ધારણ કર્યો હતો. હર્ષદ રીબડિયાએ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
વિસાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મંગળવારે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના નિવાસ્થાને જઇને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને વિધાનસભા અધ્યક્ષે એમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
- Advertisement -
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા પાટીદાર નેતા છે અને પોતાના વિસ્તારમાં ખેડૂત આગેવાન તરીકેની છાપ ધરાવે છે. 2007માં તેઓ કોંગ્રેસમાં સક્રિય રીતે જોડાયા હતા. 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજયી થયા હતા અને 2017ની ચૂંટણીમાં પણ તેમણે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. વિસાવદર-ભેસાણ મત વિસ્તારમાં તેઓ ખૂબજ સક્રિય છે અને આ વિસ્તારમાં તેઓ ઘણીજ લોકપ્રિયતા ધરાવે છે. હર્ષદ રીબડિયા ભાજપમાં જવાથી આ વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બનશે જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.
2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 62.24 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાને 81,882 મત અને તેમની સામે ઉભેલા ભાજપના ઉમેદવાર કીરિટ પટેલને 58,781 મત મળ્યા હતા. આ બેઠક પરથી હર્ષદ રીબડિયાનો 23101 મતના માર્જીનથી વિજય થયો હતો. હવે તેઓ કોંગ્રેસને રામરામ કહીને ભાજપમાં જોડાયા છે ત્યારે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિસાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.
40 કરોડની ઓફર અંગે ખૂલાસો: માતાજીના સમ ખાઈને કહું છું કે ભાજપે ઓફર નહોતી કરી : રીબડિયા
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા હર્ષદ રીબડિયા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જે દરમિયાન હર્ષદ રીબિડિયાએ શા માટે કોંગ્રેસ છોડી અને ભાજપમાં કેમ જોડાયા એ અંગે જણાવ્યું હતું. આ સાથેજ તેમણે રાજ્યસભાની ચૂંટણી વખતે કરવામાં આવેલી 40 કરોડની ઓફર અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતુંકે માતાજીના સોગંધ ખાઈને કહું છું કે ભાજપના એકપણ વ્યક્તિએ મને પૈસાની ઓફર નથી કરી. મને કોંગ્રેસના આગેવાનના મળતિયાઓ દ્વારા આ ઓફર કરવામાં આવી હતી. જોકે તેમણે નામ જણાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ઘણા મને પૂછતા હતા કે તમે કેમ ભાજપમાં આવ્યા અને કોંગ્રેસ કેમ છોડી. સમગ્ર દેશ જાણે છે કે કોંગ્રેસ દિશાહિન થઇ છે. અમે જ્યારે કાર્યકર્તા અને ધારાસભ્ય તરીકે હતા ક્યારેક લડાઈ કરવાની આવે, ક્યારેક અસામાજીક તત્વો સામે લડ્યા હોય ત્યારે કોંગ્રેસનો કોઇ આગેવાન અમારી મદદે નથી આવતા.