ક્ષ અમેરિકા આજે યુક્રેનને 500 મિલિયન ડોલરની સૈન્ય મદદ અને સહાયતા પેકેજ જાહેર કરશે : બાઈડેન, ઝેલેન્સ્કીએ યુએસ પ્રમુખનો આભાર માન્યો
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન પર રશિયાના આક્રમણને ચાર દિવસ પછી એક વર્ષ પૂરું થવાનું છે ત્યારે હજુ સુધી યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. ઉલટાનું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભડકવાની આશંકાઓ વધી ગઈ છે. રશિયાના મિસાઈલ, રોકેટથી હવાઈ હુમલાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અચાનક જ સોમવારે સવારે ટ્રેન મારફત યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે. યુદ્ધ વચ્ચે કીવની આ ઐતિહાસિક મુલાકાતમાં અમેરિકન પ્રમુખ બાઈડેને યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીને દરેક પ્રકારની સહાયની ખાતરી આપી હતી. આ સાથે તેમણે દાવો કર્યો કે આ આક્રમણ પાછળ પુતિનનો આશય સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
અમેરિકન પ્રમુખ જો બાઈડેનનો યુક્રેન પ્રવાસ અત્યંત ગુપ્ત રખાયો હતો. તેઓ કીવ પહોંચ્યા ત્યારે જ દુનિયાને તેમના યુક્રેન પહોંચવાની જાણ થઈ હતી. કીવમાં બાઈડેને યુક્રેનના નાગરિકોની પ્રશંસા કરતા કહ્યું કે સૈન્ય તાલિમના અનુભવ વિના તેમણે રશિયાનો જોરદાર રીતે સામનો કર્યો છે. હું ફરી એક વખત યુક્રેનના લોકો અને આકરી મહેનત કરનારા નાગરિકોની પ્રશંસા કરું છું, જેમને ક્યારેય સૈન્ય તાલિમ મળી નથી, પરંતુ જે રીતે તેઓ આગળ આવીને લડયા છે, તે કોઈ નાયકત્વથી ઓછું નથી અને આખી દુનિયા તેમના અંગે વિચારે છે.