અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ફરીથી ચોંકાવનારો દાવો
અજાણી પોસ્ટને રિપોસ્ટ કરીને ટ્રમ્પે વિવાદના વમળો છેડયા : બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03
અવનવી હરકતો વડે ફક્ત અમેરિકા જ નહીં વિશ્વને પણ હતપ્રભ કરી નાખનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક તોફાની અને ચોંકાવનારો દાવો કર્યો છે કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બાઇડેનનું નિધન થઈ ચૂક્યું છે. હાલમાં તો છે તે ફક્ત તેમનો રોબોટિક ક્લોન છે. ટ્રમ્પે આ પ્રકારની પોસ્ટ ફોરવર્ડ પણ કરી છે અને આમ કરીને બાઇડેનને લઈને એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બાઇડેનને તાજેતરમાં સ્ટેજ ફોર કેન્સરનું નિદાન થયું છે અને ટ્રમ્પે પોતે તેમને વહેલા સારા થવાની શુભેચ્છા પાઠવી હતી. તેના પછી ટ્રમ્પે આ પ્રકારનો દાવો કર્યો છે. ટ્રમ્પે તે સમયે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે મેલનિયા અને હું તાજેતરમાં જ જો બાઇડેનના તબીબી નિદાન અંગે જાણીને દુ:ખી થયા છે.
- Advertisement -
અમે જિલ અને તેમના કુટુંબને આ અંગે આશ્વાસન આપીએ છીએ અને બાઇડેનના વહેલા સારા થવાની પ્રાર્થના કરીએ છીએ. ટ્રમ્પની આ પોસ્ટે ફરીથી વિવાદ છેડી દીધો છે.તેમા કહેવાયું હતું કે ડેમોક્રેટ્સને વાસ્તવિક બાઇડેન અને ક્લોન બાઇડેન વચ્ચેના તફાવતની ખબર પડતી નથી. ટ્રમ્પે આ પોસ્ટની અધિકૃતતા અંગે કોઈ દાવો કર્યો નથી, પરંતુ તેમણે આ પોસ્ટને રિપોસ્ટ કરીને અમેરિકન રાષ્ટ્રપતિઓના આરોગ્ય અંગેના વિવાદને જન્મ આપ્યો છે. ટ્રમ્પ અને બાઇડેન બંને એકબીજાને પાંચ મહિના પહેલા સત્તાના હસ્તાંતરણ વખતે મળ્યા હતાં.
ટ્રમ્પ કેમ્પેઇન દરમિયાન પણ બાઇડેનના નબળા આરોગ્યને નિશાન બનાવતા રહ્યા હતા. તેમા વસ્તુઓ ભૂલી જવી, વારંવાર પડી જવું તે મુખ્ય બાબતો હતો. ગયા મહિને ટીમ બાઇડેને તે વાતને સમર્થન આપ્યું હતું કે બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર છે અને તે હાડકા સુધી ફેલાઈ ચૂક્યું છે.