ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
નવેમ્બર 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આમને- સામને થશે. બંને પોતપોતાની પાર્ટીમાંથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.
- Advertisement -
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બાઇડન અને ટ્રમ્પને પાર્ટી ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્શિયલ પદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પને 1,215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી હતું તેમજ બાઇડનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા માટે કુલ 1,969 મતની જરૂર હતી. તેમને 2,107 મત મળ્યા હતા. બાઇડને ઘણી વખત કહ્યું છે કે આ વખતે પણ તે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દેશે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, ઉમેદવારી જીત્યા બાદ બાઇડને કહ્યું- મતદારો પાસે હવે આ દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો વિકલ્પ છે. અમે લોકશાહીનું રક્ષણ કરીશું. અમે અમારી સ્વતંત્રતાને પસંદ કરવાનો અને બચાવ કરવાનો અધિકાર ફરીથી સ્થાપિત કરીશું. ઉગ્રવાદીઓ આ અધિકાર છીનવી શકશે નહીં.
11 માર્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે- જે લોકોને તોફાનીઓ કહેવામાં આવે છે તેઓ ખરેખરમાં બંધક છે.
રિપબ્લિકન પાર્ટીની નિક્કી હેલી ટ્રમ્પને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા માટે પડકાર કર્યો હતો. ગયા અઠવાડિયે 15 રાજ્યમાં મતદાન થયું હતું. એમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી બાઈડન તમામ 15 બેઠક પર જીત્યા. ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીમાંથી 14 બેઠક જીતી હતી.
- Advertisement -
ટ્રમ્પે ભારતીય મૂળની નિક્કી હેલીને હરાવ્યા હતા. હેલી માત્ર 1 સીટ જીતી શક્યાં હતાં. આ પછી હવે તેમણે રાષ્ટ્રપતિપદના ઉમેદવારની દાવેદારીમાંથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. નિક્કી હેલી એ ભારતીય મૂળનાં બીજાં ઉમેદવાર છે, જે યુએસ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવારીની રેસમાંથી બહાર થઈ ગયાં છે. આ પહેલાં રિપબ્લિકન પાર્ટીના વિવેક રામાસ્વામીએ પ્રારંભિક ચૂંટણી હાર્યા બાદ તેમણે ઉમેદવારીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
અમેરિકામાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા માટે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચૂંટણી યોજાય છે. બંને પાર્ટી રાષ્ટ્રપતિપદના ઉમેદવારોની પસંદગી પ્રાથમિક અને કોકસ ચૂંટણી દ્વારા કરે છે. પ્રાથમિક ચૂંટણીઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે તેમજ કોકસ પાર્ટીની પોતાની ઇવેન્ટ છે. પ્રાથમિક ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી જ મતદાન પ્રક્રિયા હોય છે. આ દરમિયાન એક પાર્ટીનો કાર્યકર બીજી પાર્ટીની ચૂંટણીમાં પણ મતદાન કરી શકે છે.
જ્યારે કોકસમાં એક રૂમ અથવા હોલમાં બેસાડીને પાર્ટીના પ્રતિનિધિઓ હાથ ઊંચો કરીને અથવા કાપલી નાખીને મતદાન કરી શકે છે. પાર્ટીની જ એક ટીમ નિરીક્ષક તરીકે કામ કરે છે.
ટ્રમ્પે કહ્યું- જો હું જીતીશ તો હું સંસદ પરના હુમલાના આરોપીઓને મુક્ત કરીશ
ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ સંસદ પર હુમલાના આરોપી, પોતાના તમામ સમર્થકોને મુક્ત કરશે. જો બાઇડેને 6 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવ્યા હતા. આ પછી ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળાના આરોપ લગાવ્યા હતા. ટ્રમ્પના હજારો સમર્થકોએ સંસદ પર હુમલો કર્યો હતો. આ કેસમાં 1358 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.