ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપત બોદરની એક યાદીમાં જણાવેલ છે કે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં ચાંદીપુરા વાયરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાઇરસ સૌ પ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે મળી આવ્યો હતો ત્યારથી આ વાયરસને ચાંદીપુરા તરીકે ઓળખવામાં આવે છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને તેનો શિકાર બનાવે છે.
- Advertisement -
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના ફેલાવાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા તાકીદના પગલાં ભરી રાજ્યના આરોગ્ય અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચના આપી સંકલન કરી આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે સતર્ક રહેવા સૂચના આપેલ છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની કસ્તુરબાધામ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં આવતા વિવિધ ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે.એ.એસ. સમિતિ પ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપત બોદરના અધ્યક્ષસ્થાને તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભૂપત બોદરએ વિવિધ પી.એચ.સી. સેન્ટરના આરોગ્ય સ્ટાફ સાથે ચાંદીપુરા વાયરસ સામે તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી તથા લોકજાગૃતિ વિશે માહિતિ આપી જરૂર જણાય તે વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ આપી. આ દરમ્યાન ત્રંબા પી.એચ.સી.ના નવનિર્મિત થઈ રહેલ બિલ્ડિંગના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ તકે ત્રંબા પીએચસી ખાતે જે.એ.એસ. સમિતિની યોજાયેલ મીટીંગમાં પી.એચ.સી. સેન્ટર ત્રંબામાં સમાવિષ્ટ ગામોના સરપંચો અને ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.