ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જન-જાગૃતિના ઉદ્દેશ્ય સાથે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વંથલી રોડ, અક્ષર મંદિર ખાતે ખાતે યોજાયો હતો.
આ આયોજનમાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો-2025, પોષણ ઉત્સવ-2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા-2025, અને આંગણવાડીની શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ-2022-23 એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખે સંભાળ્યું હતું. તેમણે ટેક હોમ રેશનના ફાયદાઓ અને તેમાંથી બનતી વાનગીઓ વિશે જાણકારી આપી હતી. તેમણે “સ્વસ્થ નારી, સ્વસ્થ સમાજ” ની વિભાવના સાથે પોષણનું મહત્વ સમજાવ્યું હતું અને જંકફૂડના નુકસાન અંગે ચેતવણી આપી હતી. ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ આંગણવાડીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી આ ભૂલકા મેળામાં દરેક ઘટકમાંથી બ્લોક પી.એસ.ઈ. અને આંગણવાડી કાર્યકર દ્વારા સંયુક્ત રીતે બનાવેલા ટીચિંગ લર્નિંગ એપ્રોચ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, તેમજ બાળકોએ આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં મિલેટ્સ માંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન થયું હતું. શિક્ષણ વિભાગની ટીમ અને એસો. પ્રોફેસરની ટીમ દ્વારા વિજેતાઓની પસંદગી કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.



