ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ઉનાળાના આગમન સાથે જ અને હોળી-ધુળેટીના પર્વ પૂર્વે જ રાજકોટ ધગધગવા લાગ્યું હોય તેમ આજે સતત ત્રીજા દિવસે બપોરે જ તાપમાન 38 ડીગ્રીને પાર થઇ ગયું હતું. મહત્તમ તાપમાન 39 ડીગ્રીને વટાવી જવાની શક્યતા રહે છે. સમગ્ર ગુજરાતમાં સોમવારે અને મંગળવારે સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. આજે પણ ભુજ અને રાજકોટમાં ગુજરાતના તમામ શહેર કરતા વધારે તાપમાન 39 ડિગ્રી દેખાયું હતું.
- Advertisement -
હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે રાજકોટમાં તાપમાન 39 ડીગ્રી થયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 3 ટકા તથા પવનની ઝડપ 9 કિમીની હતી. મંગળવારે બપોરે તાપમાન 38 ડીગ્રી હતું. આમ ગઇકાલની સરખામણીએ આજે તાપમાન વધ્યું હતું.
રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, મંગળવારે રાજ્યના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડીગ્રીને વટાવી ગયો હતો. આજે ભુજ અને રાજકોટમાં 39 ડીગ્રીને પાર થયું હતું અને સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચુ તાપમાન હતું.
અમદાવાદ એરપોર્ટનું મહત્તમ તાપમાન 37 ડીગ્રી, ભુજનું 39 ડીગ્રી, પોરબંદરનું 38 ડીગ્રી, રાજકોટનું 39 ડીગ્રી તથા સુરેન્દ્રનગરનું 38 ડીગ્રી હતું. આ સિવાય અમરેલીમાં 37 ડીગ્રી, ગાંધીનગરમાં 36 ડીગ્રી, જામનગરમાં 36.3 ડીગ્રી, કંડલામાં 37, નલીયામાં 37.2, પોરબંદરમાં 38 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણેક દિવસ આકરા તાપનો માહોલ યથાવત રહેવાની અને પારો 40 ડીગ્રીને વટાવી જવાની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
આકરો તડકો, કાળઝાળ ગરમી: પોરબંદર શહેરમાં હિટવેવ યથાવત, લોકો અકળાયા
મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું
પોરબંદર ગઇકાલથી તડકો તપવા લાગતા ઉનાળાની શરૂઆતમાં જ બળબળતી લૂ ફૂંકાવા લાગતા લોકો પરેશાન થઇ ગયા હતા. પોરબંદર શહેરમાં હજુ તો ઉનાળાની શરૂઆત કહી શકાય ત્યાં તો તડકો તપવા લાગ્યો છે. બપોરના સમયે રીતસરની ચામડી બળવા લાગે તેવો ભારે તડકો અને ઉપરથી ભારે લૂ ફૂંકાવા લાગતા લોકો પરેશાન થઇ ગયા હતા. અત્યારથી જ જો તાપમાન 38 ડિગ્રીએ પહોંચી જતું હોય તો ચૈત્ર તથા વૈશાખમાં કેવી ગરમી હશે તે વિચારથી જ લોકો ફફડી ઉઠે છે. પોરબંદર શહેરમાં આજનું મહતમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જયારે કે આજનું લઘુતમ તાપમાન 16.9 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતુ.