એ ડિવિઝન પોલીસે રાજકોટમાં નોંધાયેલા પાંચ ગુનાના ભેદ ઉકેલી 90,000ની રોકડ કબ્જે કરી
ભોપાલથી ટ્રેનમાં બાઈક ચડાવી અમદાવાદ આવ્યા, ત્યાંથી બાઈક લઇ રાજકોટમાં ગુના આચર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અલગ અલગ પાંચ બેંકમાં 200ની બદલે 500ની નોટ લેવાના બહાને ઘુસી કેશિયરની નજર ચૂકવી કુલ 90હજારની ચોરી કરી હોવાની નોંધાયેલી 5 ફરીયાદનો એ ડીવીઝન પોલીસે ભેદ ઉકેલી નાખી ભોપાલના બે શખસોની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ એટલે કે 90 હજારની રોકડ કબજે કરી પુછતાછ કરતા નવી નોટો બદલાવવાના બહાને બેન્ક કર્મચારીને ટાર્ગેટ કરતા હોવાનુ જણાવ્યું હતું આ બેલડી ભોપાલથી અમદાવાદ ટ્રેનમાં બાઈક લઈને આવી હતી અને અમદાવાદમાં બાઈક ઉતારી ત્યાંથી બાઈક મારફત રાજકોટ પહોંચ્યા હતા અને ગુનાઓને અંજામ આપ્યો હતો.
રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલી ફેડરલ બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા અમોલ ગજાનન સાતરોઠેએ 20 હજારની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી આ ઉપરાંત ગઠીયાઓએ આઈસીઆઈસી બેંક, ઉજવલ સ્મોલ ફાઈનાન્સ, આઈડીએફએસી સહીત પાંચ બેંકમાંથી નોટ બદલવાના નામે કેશીયરની નજર ચુકવી કુલ 90 હજારની ચોરી કર્યાની એ ડિવિઝન, યુનિવસર્સિટી, તાલુકા અને ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
બનાવ અંગે એડીવીઝન પોલીસ મથકના પીઆઇ બી વી બોરીસાગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ એમ રાણા સહિતની વિવિધ ટિમો બનાવીને તપાસ હાથ ધરી હતી દરમિયાન સ્ટાફના મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા અને કરણભાઇ વિરસોડીયાને મળેલી બાતમી આધારે બે શંકાસ્પદ શખસોની અટકાયત કરી નામઠામ પૂછતા ભોપાલના મહેશ દેવીલાલ ગર્જર અને સૌરવ શ્રવણ કુમાર કુસવાહ હોવાનુ જણાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી આકરી પુછતાછ કરતા તેને અગલ અલગ બેંકમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા બન્નેની ધરપકડ કરી તેની પાસેથી 90 હજારની રોકડ કબજે કરી છે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બંને ભોપાલથી ટ્રેનમાં બાઈક ચડાવી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી બાઈક લઈને રાજકોટ આવી એક હોટલમાં રોકાણ કરી બેંકમાં ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી જે હોટલમાં રોકાણ કર્યું હતું તે પથિક એપમાં જોઈને બંનેની ઓળખ મેળવી ધરપકડ કરી હતી.
યુનિવર્સીટી પોલીસ વિસ્તારના ઈઈઝટમાં બાઈક કેદ થયું હતું
એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બે બેંકમાંથી 40 હજારની ચોરી થયાની બે ફરિયાદ નોંધાતા પોલીસ એલર્ટ થઇ હતી અને તુરંત તપાસ હાથ ધરી હતી દરમિયાન યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોપાલ પાસિંગનું બાઈક જોવા મળતા તે દિશામાં તપાસ હાથ ધરી ભેદ ઉકેલી નાખ્યો હતો.
ત્રણ બેન્કમાં ચોરી કરવામાં નિષ્ફ્ળ નીવડ્યા હતા
પકડાયેલ બેલડીની વધુ પૂછતાછમાં એવી કબૂલાત આપી હતી કે તે લોકોએ 8 બેન્કમાં આંટાફેરા કર્યા હતા જે 8 પૈકી 5 બેન્કમાં ચોરી કરવામાં સફળ રહ્યા હતા જયારે 3 બેન્કમાં ચોરી કરવામાં નિષ્ફ્ળ રહયા હોવાનું જાણવા મળ્યું છે.
આંગળીની કરામતથી બંડલમાંથી નોટો સેરવી હાથમાં સંતાડી દેતા
ભોપાલની આ બેલડી નોટ બદલાવવાના બહાને બેન્કમાં જતા અને જયારે કેશિયર નોટનું બંડલ આપે ત્યારે કર્મચારીની નજર ચૂકવી હાથની કરામતથી બંડલમાંથી નોટો સેરવી લઈને હથેળીમાં સંતાડી નવા બંડલ આપો તેમ કહી બંડલ પરત આપી દેતા હતા અને કેશિયર પણ ગણ્યા વિના જ મૂકી દેતા હતા.



