4 ફેબ્રુઆરીએ યોજાનારા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે લીંબાભાઈ માટીયા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ જુંજાની વરણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા 27 વર્ષથી ભરવાડ સમાજના સમૂહલગ્ન યોજાય છે. અત્યાર સુધીમાં 2500થી વધુ દીકરીઓ સમૂહલગ્નમાં જોડાઈને પોતાનો ગૃહસંસાર સુખરૂપ રીતે નિભાવી રહી છે. શ્રી ગોપાલક સમૂહલગ્ન સમિતિ આયોજિત 27મો સમૂહ લગ્નોત્સવ આગામી તા. 4-2-2025 મંગળવારના રોજ રાજકોટ ખાતે યોજાશે. જેમાં 100 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરીબાપુ સહિતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વચન પાઠવશે. સમૂહલગ્નની વ્યવસ્થાના ભાગરૂપે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે લીંબાભાઈ માટીયા, ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ જુંજા, મહામંત્રી તરીકે ગોપાલભાઈ સરસીયા અને ખજાનચી તરીકે પરેશભાઈ સોરીયાની વરણી કરવામાં આવી છે. આ સમૂહલગ્નમાં દીકરીઓને સોના-ચાંદીની વસ્તુઓ ઉપરાંત જીવનજરૂરી ઘરવખરીનો તમામ માલસામાન કરિયાવરમાં આપવામાં આવશે. આ વખતના ભોજન ખર્ચના દાતા રાજુભાઈ મેવાડા પરિવાર છે. સમૂહલગ્નમાં 20000થી વધુ ભાઈઓ-બહેનો ભોજન પ્રસાદનો લાભ લેશે. સમૂહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગૃતિના પગલે દર વર્ષે રાજકોટ, વાંકાનેર, નિકાવા, પડધરી, ખારવા, જોડીયા, જામનગર, ખંભાળીયા, લાલપુર, કડુકા, સાવરકુંડલા વિગેરે સ્થળે સમૂહલગ્ન યોજાય છે. જેમાં દર વર્ષે 1200થી વધુ દીકરા-દીકરીઓ જોડાય છે. આ સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છતાં દીકરાઓની ઉંમર 21 વર્ષ અને દીકરીઓની ઉંમર 18 વર્ષ પૂરી હોવી જરૂરી છે. સમાજના નિયમ મુજબ દીકરીઓનું આણુ સાથે વાળવાનું રહેશે તેમજ દાગીનાની લેતી-દેતી પણ 8થી 10 તોલાની કરવાની રહેશે.
- Advertisement -
આ સમૂહલગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ લીબાભાઈ ખેંગારભાઈ માટીયા, ઉપપ્રમુખ રાજુભાઈ નોંધાભાઈ જુંજા, મહામંત્રી ગોપાલભાઈ મનુભાઈ સરસીયા, ખજાનચી પરેશભાઈ લખમણભાઈ સોરીયા, હિરાભાઈ ઉકાભાઈ બાંભવા, ભીખાભાઈ લક્ષ્મણભાઈ પડસારીયા, નારણભાઈ ચનાભાઈ ટારીયા, નાગજીભાઈ જીણાભાઈ ગોલતર, બીજલભાઈ રામજીભાઈ ટારીયા, નારણભાઈ માંડણભાઈ વકાતર, રમેશભાઈ તેજાભાઈ જુંજા, મનુભાઈ બચુભાઈ બાંભવા, ધીરજભાઈ અરજણભાઈ મુંધવા, વાઘજીભાઈ બાંભવા, રામભાઈ દેવાભાઈ ખીંટ, મેહુલભાઈ ભરતભાઈ ગમારા, રમેશભાઈ દિનેશભાઈ ટોળીયા, હરીભાઈ ગોકળભાઈ માટીયા, જીવણભાઈ દેવાભાઈ માટીયા અને રઘુભાઈ કાળાભાઈ મેવાડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.



