જિલ્લા કલેકટર દ્વારા મહિના પૂર્વે ગુનો નોંધવા હુકમ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં અને લગભગ રાજ્યના દરેક ગામોમાં સરકારી તથા ગૌચર જમીન પર ગેરકાયદેસર કબ્જો હોવાનું ગુજરાત હાઈકોર્ટે પણ સ્વીકાર્યું છે જેને લઇ તમામ ગામોમાંથી ગૌચર જમીન પર થયેલ દબાણો દૂર કરવાનો હુકમ પણ કરાયો હતો. પરંતુ મોટાભાગના ગૌચર જમીન પર દબાણ કરનાર રાજકીય આખલા અથવા તો તેઓના મળતિયા અને સ્વજનો હોય છે જેથી તંત્ર દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશનું ઉલંઘન કરતી નજરે પડે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામે રહેલી મોટાભાગની ગૌચર જમીન પર દબાણ હોવાથી અહીંના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરાઈ હતી અને બાદમાં એક જાગૃત નાગરિક તરીકે ગૌચર જમીન પર દબાણ મામલે લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી પણ કરી હતી..
- Advertisement -
જોકે અરજી કર્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે ગૌચર જમીન પર દબાણકર્તાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુન્હો નોંધવાનો હુકમ પણ કર્યો હતો જે હુકમ કાર્યને મહિનાઓ વિતી ગયા છતાં આજદિન સુધી ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી દ્વારા ફાઈલ અધ્ધર ચડાવી દીધી છે. ભેચડા ગામે 47 ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું ખુદ તાલુકા પંચાયત અને ગામના તલાટી સ્વીકારી રહ્યા છે છતાં ગૌચર જમીન પણ થયેલ દબાણ હટાવવા અને જિલ્લા કલેક્ટરના હુકમનું પાલન કરવામાં સ્થાનિક વિભાગને ઝટકા લાગતા હોય તેમ નજરે પડે છે. જ્યારે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાસે જિલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો હુકમ લેખિતમાં માંગવામાં આવ્યો ત્યારે હુકમ આપવાની સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અને જો હુકમ આપે તો પોલ ખુલ્લી પડે તેમ હતું. પરંતુ ખરેખર આ ગૌચર પર દબાણ કરનાર વર્તમાન સરપંચના જ નજીકના હોવાથી તંત્ર દબાણ દૂર કરવા અને ગુન્હો નોંધવામાં લાજ કાઢતી હોય તેવું અહી સ્પષ્ટ રીતે સાબિત થાય છે.