રાજકારણીઓ જ હવે શિક્ષકો બની બેઠા છે!
શિક્ષકોને ભણાવવા ઉપરાંતનાં બિનશૈક્ષણિક કામકાજમાંથી મુક્તિ આપવામાં આવે તો રાજકારણમાં આવીને થોડી શિક્ષણ ઉપરાંત સમાજની સેવા પણ કરી શકે.
ભવ્ય રાવલ
જેમની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે એવા શિક્ષક હવે રાજકારણમાં આવતા નથી. 5 સપ્ટેમ્બરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસને ’શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણન એક એવા શિક્ષક હતા જેમણે કહ્યું હતું કે, ’હું પહેલા શિક્ષક છું, અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.’ રાજકારણ પછી શિક્ષણ પ્રથમ. આઝાદીથી લઈ 21મી સદી સુધી ઘણા શિક્ષકો રાજકારણમાં આવ્યા છે પરંતુ હવે પહેલા જેવા અને પહેલા જેટલા શિક્ષકો રાજકારણમાં આવતા નથી જે રાજકારણમાં આવી શિક્ષક રહીને જ પોતાના જ્ઞાન અને આવડતનો લાભ એક વર્ગખંડ ઉપરાંત આખા ભારતખંડને આપી શકે. અરે, ભારતનાં મોટાભાગનાં મહાન નેતાઓ શિક્ષક હતા એટલું જ નહીં, દેશનાં મહત્તમ મહાન નેતાઓનાં પિતા પણ શિક્ષક હતા એવા અનેક જનનાયકોનાં નામોની લાંબી યાદી છે.
શિક્ષકો રાજકારણમાં આવતા જ નથી એવું નથી, શિક્ષકોને રાજકારણમાં આવવાનો રસ જ નથી એવું નથી, શિક્ષકોને રાજકારણમાં આવવું જ નથી એવું નથી. શિક્ષકો રાજકારણમાં આવે છે પણ ગણ્યાગાંઠ્યા. શિક્ષકોને રાજકારણમાં આવવાનો રસ છે પણ સંઘર્ષ કરવો નથી. શિક્ષકોને રાજકારણમાં આવવું જ છે પણ મોકો મળતો નથી. આ બધા વચ્ચે હાલ તો ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનથી લઈ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા શ્રેષ્ઠ શિક્ષકો રાજકારણમાં પ્રવેશી રહ્યા નથી એ હકીકત છે. વિદ્યાર્થી સંગઠનોની જેમ જ શિક્ષકો પણ રાજકારણથી વિમુખ બનતા જાય છે. શિક્ષકો, વિદ્યાર્થીઓનો રાજકારણ સાથેનો સંબંધ અટપટો થઈ ગયો છે. એમાં પણ થોડા વર્ષોથી અથવા આજકાલથી શિક્ષકોનો રાજકારણમાં પ્રવેશ જાણે બંધ જ થઈ ગયો છે અથવા અટકાવી દેવામાં આવ્યો છે. હવે રાજકારણમાં પહેલા જેવા અને પહેલા જેટલા શિક્ષકો કેમ આવતા નથી કે આવી શકતા નથી? કારણ કે, હવે રાજકારણીઓ શિક્ષક બની બેઠા છે એટલે?
- Advertisement -
માત્ર ગુજરાત જ નહીં ભારતભરની કોઈપણ નાની-મોટી શૈક્ષણિક સંસ્થાઓની ઊંડાણપૂર્વક તપાસ કરો. શૈક્ષણિક સંસ્થા અને તેના સંચાલકોને રાજકારણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ હશે, હશે અને હશે જ. વળી, એ જ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો રાજકારણમાં આવવાની પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતા હશે તો પણ નહીં આવી શકે. શાળા, કોલેજના પ્રિન્સિપાલથી લઈ યુનિર્સિટીઓનાં ડીપાર્ટમેન્ટ હેડ, સિન્ડીકેટ મેમ્બર્સ, ઉપકુલપતિ, કુલપતિઓ જ્યાં રાજકારણીઓ હોય, રાજકારણ સાથે સંબંધ ધરાવતા હોય એ શાળા, કોલેજ, યુનિર્સિટીઓનાં શિક્ષકો, અધ્યાપકો ક્યાંથી રાજકારણમાં પ્રવેશી શકે? રાજકારણમાં પ્રવેશવાનો મોકો મળે તો પણ કાર્યકરથી વિશેષ શું બની શકે કે કાર્યકર તરીકે શું કરી શકે? શૈક્ષણિક સંસ્થાઓ સાથે રાજકારણીઓનાં સંબંધ અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની સ્થિતિને કારણે જ કહેવાય છે કે, રાજકારણમાં શિક્ષણ હોય કે ન હોય, શિક્ષણમાં રાજકારણ પ્રવેશી ચૂક્યું છે. રાજકારણ ઉપરાંત શિક્ષણમાં કેટલાંક લોકોએ પોતાનો પગપેસારો એવો કર્યો છે કે હવે શિક્ષણનાં માણસો રાજકારણમાં પ્રવેશતા બંધ થઈ ગયા છે, અટકાવી દેવામાં આવ્યા છે અને રાજકારણનાં માણસો શિક્ષણમાં ધડાધડ પ્રવેશી રહ્યા છે. જેણે સામાન્ય શિક્ષકો માટે રાજકારણને ખાટી દ્રાક્ષ બનાવી છોડી છે.
સૌથી અગત્યની બાબત એ કે, પહેલાનાં સમયમાં શિક્ષક પાસે શૈક્ષણિક સેવા કરવા ઉપરાંત રાજકારણમાં પ્રવેશી સમાજસેવા કરવાનો સમય હતો જે હવે રહ્યો નથી. શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપાતા બિનશૈક્ષણિક કામકાજને કારણે શિક્ષણનું સ્તર તો ઘટ્યું જ છે આ સિવાય રાજકારણમાં પ્રવેશી કાર્ય કરવા શિક્ષકોને જોઈતો સમય મળતો નથી. આવા જ કેટલાંક કારણોસર રાજકારણમાં પ્રવેશી કાર્ય કરવાની તમન્ના હોવા છતાં પણ શિક્ષકો રાજકારણમાં પ્રવેશી શકતા નથી અને માત્રને માત્ર એટલે જ રાજકારણમાં આવીને રાજકારણનું સ્તર ઉચું લાવી શકે એવા શ્રેષ્ઠ શિક્ષકોની ખોટ પડી છે. જો કોઈ શિક્ષક શિક્ષણ ઉપરાંત સમાજસેવાના આશયથી રાજકારણમાં આવવા ઈચ્છે તો પણ એ આવી ન શકે એવી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. અધૂરામાં પૂરું રાજકારણીઓએ શિક્ષણના ક્ષેત્રમાં જ્યારથી ઝંપલાવ્યુ છે ત્યારથી શિક્ષક એ શિક્ષક પણ રહ્યો નથી, ગરીબડું પ્રાણી બની રહ્યો છે. શિક્ષકોની જાણે પાંખો કાપી શાળાના પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. સમય સમય પર બસ શિક્ષકોનો ભરપૂર ઉપયોગ જ કરવામાં આવી રહ્યો છે.
શિક્ષણમાંથી રાજકારણમાં આવીને શિક્ષકોએ સમાજ અને રાષ્ટ્રને ઘણું આપ્યું છે, રાજકારણમાંથી શિક્ષણમાં આવીને નેતાઓએ શિક્ષકોને કશું ખાસ આપી શક્યા નથી. રાજકારણીઓએ કોરોનાકાળમાં શિક્ષકોની મદદ લીધી, પગાર મુદ્દે શિક્ષકોને મદદ ન કરી. જ્યારે શિક્ષકોને તીડ ઉડાવવાના કામમાં લગાવવામાં આવ્યા ત્યારે શિક્ષક સહિત સમગ્ર શૈક્ષણિક જગત શર્મશાર થયું. શિક્ષણમાં જ રહી રાજકારણને નજીકથી જોનાર શિક્ષક ગમે તેવા વિષયમાં પારંગત હોય પણ તે રાજકારણમાં નિપુણ નથી એ અંદરખાને સ્વીકારે જ છે એટલે પણ રાજકારણમાં આવતા ડરે છે અથવા રાજકારણથી દૂર ભાગે છે. પાછુ તો શિક્ષકોની પોતાની સમસ્યાઓ એટલી છે કે ક્યાં એ શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશી બીજાની સમસ્યાઓ દૂર કરવા નીકળે? આમ જ બીજાને અસામાન્ય બનાવતો શિક્ષક સાવ સામાન્ય બનીને રહી ગયો છે.
શિક્ષક માટે એક વર્ગખંડના નેતા બનવા પૂરતું ઠીક છે, સમગ્ર વર્ગોનાં નેતા બનવું અઘરું બની ગયું છે. અને એટલે જ છેલ્લા કેટલાંક સમયથી રાજકારણમાં સતત શ્રેષ્ઠ, સંસ્કારી, સિદ્ધાંતવાદી, આદર્શ શિક્ષકની ખોટ વર્તાઈ રહી છે. આવા સમયે હું તો એટલું જ કહીશ કે, 5 સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ નહીં, એકાદ વોર્ડ-વિધાનસભાની ટિકિટ આપો, શિક્ષણ સમિતિથી લઈ સંસદમાં સ્થાન આપો, રાજકારણમાં આવવાનું પ્રોત્સાહન આપો અને પછી એનું પરિણામ જોવો. મહત્વપૂર્ણ છે કે, રાજકારણીઓએ શિક્ષણમાં આવી શિક્ષકો રાજકારણમાં પ્રવેશી શકે તે માટેનાં જે દરવાજા જ બંધ કરી દીધા છે એ દરવાજા ખોલવા જ પડશે. શિક્ષકો શિક્ષણમાંથી રાજકારણમાં સરળતાથી પ્રવેશી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં ન આવી અને જો આમને આમ ચાલ્યું ને આવુંને આવું રહ્યું તો શિક્ષક કભી સાધારણ નહીં હોતાની જગ્યાએ શિક્ષક કાયમ માટે સાધારણ બની જશે. જેનું નુકસાન રાજકીય પક્ષથી લઈ સમગ્ર પ્રાંતને થશે. ભારતીય રાજકારણનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે, એ બાબતની સાબિતી આપે છે કે, શિક્ષકો જ્યારે-જ્યારે શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશ્યા છે ત્યારે-ત્યારે દેશ-સમાજમાં પ્રલય-નિર્માણ કરવાની સત્તા-શક્તિ તેમના ખોળામાં ઉછરી છે. બસ એ પરથી જ હવે ફરી શિક્ષકોને ’ક્લાસ’ના ટીચરમાંથી આગળ વધારી ’માસ’નો લીડર બનવાનું પ્રમોશન આપો.
શિક્ષકો પાસે કરાવવામાં આવે છે ભણાવવા ઉપરાંતના આટલા કામકાજ..
આધાર કાર્ડ સુધારણા, ચૂંટણી કાર્ડમાં ફેરફારનું કામ
મતદાર યાદી સુધારણા, ચૂંટણીમાં બીએલઓ તરીકેનું કામ
અનેક જાતના સર્વે, વસ્તી ગણતરીનું કામ
મધ્યાહ્ન ભોજન, વૃક્ષો ઉછેરથી લઈ સ્વચ્છતાનું કામ
ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓનલાઈન બિનશૈક્ષણીક કામગીરી
ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના મહામારીનાં કામ
ડ્રોપ આઉટ બાળકોની માહિતી ભેગી કરવાનું કામ
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનું કામ
ફી ઉઘરાણી કામ, વાલીઓના નાના-મોટા કામ
- Advertisement -
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનથી લઈ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ..શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશનાર થોડા નેતાઓ જેમણે ભારતીય રાજકારણની દશા-દિશા બદલી..
ડો. રાધાકૃષ્ણનની જેમ દેશના ઘણા શિક્ષકો શિક્ષણમાંથી રાજકારણમાં આવ્યા. જેમ કે, મુલાયમ સિંહ યાદવ. સપાના મુખિયા મુલાયમ સિંહ યાદવ રાજકારણમાં આવ્યા એ પહેલા સહાયક અધ્યાપક તરીકે નોકરી કરતા હતા. એ જ રીતે બસપા સર્વેસર્વા માયાવતી. માયાવતીએ પોતાની કારકિર્દી શિક્ષિકા તરીકે શરૂ કરી હતી. આપણા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાજકારણમાં આવ્યા પહેલા એ અધ્યાપક હતા. અબ્દુલ કલામને વિદ્યાર્થીઓને ભણાવવા ખૂબ ગમતા, તેઓ પણ શિક્ષક હતા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શિવરાજ પાટિલ બોમ્બે યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી જેમનું હમણા જ નિધન થયું તેવા પ્રણબદા પણ કોલેજમાં અધ્યાપક રહી ચૂક્યા છે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના વિજિંટિંગ ફેકલ્ટી મેમ્બર રહ્યાં છે તો ત્રિપુરાના ભૂતપૂર્વ રાજ્યપાલ તથાગત રોય જાધવ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. આ તો શિક્ષણમાંથી રાજકારણમાં આવેલા ચૂનીંદા લોકોની ચર્ચા છે આ યાદી લાંબી થઈ શકે એમ છે પણ હમણાં-હમણાં છેલ્લા એકાદ દસકમાં શિક્ષણમાંથી રાજકારણમાં આવેલા કોઈ ચેહરા યાદ કે નામની ખબર નથી જેમણે શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશી રાજકારણની દિશા-દશા સુધારી હોય.
ચીમનભાઈ પટેલથી લઈ આનંદીબેન પટેલ.. શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશનાર થોડા નેતાઓ જેમણે ગુજરાતનાં રાજકારણની દશા-દિશા બદલી…
ગુજરાતનાં એક શિક્ષિકા આનંદીબેન પટેલ શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશી શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ બન્યા. આનંદીબેન પટેલ શરૂઆતમાં શાળાનાં શિક્ષકા, આચાર્ય હતા. એ જ રીતે જો શરૂઆતથી વાત કરવામાં આવે તો ચીમનભાઈ પટેલ જે અધ્યાપક હતા એ પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, ચીમનભાઈ પટેલના પત્ની ઉર્મિલાબેન પટેલ પણ અધ્યાપિકા હતા અને તેઓ પણ શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશી કેન્દ્રમાં મંત્રી બનેલા. બળવંતભાઈ મણવર ઉપલેટા કોલેજમાં અધ્યાપક હતા, તેઓ બોર્ડ-નિગમ ચેરમેનથી લઈ ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન પણ બન્યા હતા. કરસનદાસ સોનેરી પણ ઈડર કોલેજમાં અધ્યાપક હતા અને પછી 3થી 4 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ શિક્ષણ પ્રધાન બન્યા. પ્રબોધકાંતભાઈ પંડ્યા પંચમહાલ કોલેજમાં અધ્યાપક હતા પછી રાજ્ય કક્ષાના પ્રધાન બનેલા. હરિન પાઠક અમદાવાદની સ્કૂલમાં શિક્ષક રહી ચૂક્યા છે. તેઓ 5થી 6 વાર સાંસદ તરીકે ચૂંટાઈ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન રહ્યા છે. અરવિંદ સંઘવી ધાંગ્રધ્રામાં અધ્યાપક હતા અને ધારાસભ્ય બન્યા. અમદાવાદના હસમુખ પટેલ અધ્યાપક હતા અને ધારાસભ્ય ઉપરાંત મંત્રી બન્યા. અમદાવાદના અન્ય એક શિક્ષિકા ભાવનાબેન દવે અમદાવાદના મેયર અને સુરેન્દ્રનગર સાંસદ બન્યા હતા. વસુબેન ત્રિવેદી જેઓ પણ ભણાવતા-ભણાવતા રાજકારણમાં પ્રવેશી જામનગરના ધારાસભ્ય, રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાનથી લઈ ટુરિઝમ વિભાગના ચેરમેન રહ્યા. એન. પી. કાલાવડિયા. જે ઉપલેટામાં શિક્ષક હતા તે ધારાસભ્ય અને સંસદીય સચિવ બન્યા. ઉપરાંત કિશોરસિંહ સોલંકી, પી.સી. બારોટ, પ્રો. કટારીયા, ધનસુખભાઈ ભંડેરી વગેરે શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશી બોર્ડ – નિગમ ચેરમેન બન્યા છે. પરંતુ ફરી ફરી એક જ પ્રશ્ર્ન કે છેલ્લા દસકામાં એવા કેટલા શિક્ષકો શિક્ષણમાંથી રાજકારણમાં પ્રવેશ્યા જેણે રાજકારણની દિશા-દશા સુધારી હોય.