મગફળી ખરીદી મર્યાદા 200 મણ કરવાની અને ભાવાંતર યોજના લાગુ કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લા સમિતિ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની નીતિ સામે વિરોધ દર્શાવી કલેક્ટર મારફત કેન્દ્રીય કૃષિ મંત્રીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંઘે તાજેતરમાં સરકારે કરેલી જાહેરાત કે આ વર્ષે ખેડૂત ખાતેદાર દીઠ માત્ર 70 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે, તેને તદ્દન ગેરવ્યાજબી અને મગફળી પકવતા ખેડૂતોને અન્યાયકર્તા ગણાવી છે.
- Advertisement -
કિસાન સંઘે જણાવ્યું હતું કે ગત વર્ષે જ્યારે 4.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે સરકારે 12.61 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. પરંતુ આ વર્ષે ટેકાના ભાવમાં વધારો થતાં નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમ છતાં સરકારે ખરીદીનો લક્ષ્યાંક ગયા વર્ષ જેટલો જ એટલે કે 12.61 લાખ ટન રાખ્યો છે. આ કારણોસર, ખેડૂત દીઠ ખરીદીની મર્યાદા ઘટીને 70 મણ થઈ છે, જે ખેડૂતોની આશા અને વાવેતરની સરખામણીએ બહુ ઓછી છે. ભારતીય કિસાન સંઘે ભારપૂર્વક માંગ કરી છે કે આ વર્ષે પણ ગત વર્ષોની જેમ ખેડૂત દીઠ 200 મણ મગફળીની ખરીદી થવી જોઈએ. જયારે ખેડૂતોના કાયમી ઉકેલ તરીકે ભાવાંતર યોજના લાગુ કરવાની પણ માંગ કરી હતી. આ યોજના થકી ખેડૂતોને ખરીદીની લાંબી ઝંઝટમાંથી મુક્તિ મળશે, અને સરકારને પણ ખરીદેલી મગફળી ફરી વેચવામાં થતી નુકસાનીમાંથી છૂટકારો મળશે. જો આ પ્રશ્ર્નોનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ રજૂઆત કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ મનસુખભાઈ પટોળીયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ બુહા, જિલ્લા મંત્રી વિનુભાઈ બારૈયા, કેશોદ તાલુકા પ્રમુખ જશુભાઈ મારડીયા, વિસાવદર તાલુકા પ્રમુખ જે.પી. હિરાણી, જુનાગઢ તાલુકા પ્રમુખ ચિંતન ધોરાજીયા, માણાવદર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુત, રતિલાલ પાઘડાર, હરીભાઈ મેનપરા, રાજુભાઈ ભુવા સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



